Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રશિયાના પાડોશી દેશ ફિનલેન્ડે નાટોમાં જોડાવા કરેલી જાહેરાત

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે રશિયાને આંચકો : સ્વીડન પણ નાટોમાં જોડાવા માટે જાહેરાત કરી શકે છે

હેલસિક્ની, તા.૧૨ : યુક્રેન પર રશિયાના હુમલા બાદ હવે રશિયાના પાડોશી દેશ ફિનલેન્ડે એલાન કર્યુ છે કે, અમે નાટોમાં જોડાવા માટે જઈરહ્યા છે.ઉલ્લેખનીય છે કે, રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા પાછળનુ એક કારણ યુક્રેનનો નાટો તરફનો ઝુકાવો હતો. રશિયાએ બીજા પાડોશી દેશોને પણ નાટોમાં જોડાવા સામે ચેતવણી આપી હતી. જોકે ફિનલેન્ડ રશિયાની ચેતવણીને અવગણીને નાટોમાં જોડાશે.

ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સોલી નીનિસ્ટો અને પીએમ સના મરિને  જાહેરાત કરી હતી. જોકે નાટોમાં જોડાવા માટે આવેદન આપતા પહેલા કેટલીક  કાર્યવાહી બાકી છે પણ ફિનલેન્ડનો નિર્ણય રશિયા માટે ચિંતાજનક બની શકે છે.

પાડોશી દેશ સ્વીડન પણ આવનારા દિવસોમાં નાટોમાં જોડાવા માટે જાહેરાત કરી શકે છે.

ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સોલી નીનિસ્ટો અને પીએમ સના મરિને કહ્યુ હતુ કે, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે અને અમે દેશના રાજકીય પક્ષોને જાણકારી આપવા માટે આ વાત શેર કરી રહ્યા છે. નાટોના સભ્ય તરીકે ફિનલેન્ડનુ સંરક્ષણ વધારે મજબૂત થશે. વગર કોઈ વિલંબે હવે ફિનલેન્ડે નાટોમાં જોડાવા માટે અરજી આપવી જોઈએ. આ માટેની જરૃરી કાર્યવાહી આગામી દિવસોમાં પૂરી કરી લઈશું.

જો ફિનલેન્ડ નાટોમાં જોડાશે તો રશિયાની બોર્ડર પર નાટોના સુરક્ષાદળો તૈનાત થવાની શક્યતા વધી જશે.ઉપરાંત સ્વીડન પણ નાટોમાં જોડાયુ તો નાટો દેશોની તાકાત વધશે. કારણકે સ્વીડન પાસે સૌથી શક્તિશાળી વાયુસેનાઓ પૈકીની એક છે.

(7:57 pm IST)