Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

એરફોર્સ જવાનને ISIએ ફેસબુક પર હનીટ્રેપમાં ફસાવ્યો: જાસૂસીના આરોપમાં ધરપકડ કરાઈ

એરફોર્સ સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી મેળવવાનો પ્રયાસ

નવી દિલ્હી : દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે જાસૂસીના આરોપમાં એરફોર્સના એક જવાનની ધરપકડ કરી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીનું નામ દેવેન્દ્ર શર્મા છે, જેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે અને એરફોર્સ સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમને પૂછવામાં આવ્યું કે ત્યાં કેટલા રડાર છે, ક્યાં તૈનાત છે. આ સાથે તેમની પાસેથી એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓના નામ અને સરનામા પૂછવામાં આવ્યા છે.

ગુપ્તચર એજન્સીના ઇનપુટ પર પોલીસે 6 મેના રોજ આરોપી દેવેન્દ્ર શર્માની ધૌલકુઆનથી ધરપકડ કરી હતી. દેવેન્દ્ર શર્મા મૂળ કાનપુરના છે. ભૂતકાળમાં તેમણે ફેસબુક પર એક મહિલા પ્રોફાઇલ સાથે મિત્રતા કરી ત્યારબાદ મોબાઇલ નંબરની આપ-લે કરવામાં આવી હતી. આ પછી તે કથિત રીતે તે મહિલા દેવેન્દ્ર શર્મા સાથે મોબાઈલથી વાત કરતી હતી.

જવાનની ધરપકડ બાદ પોલીસ એ શોધી રહી છે કે તે કોની ફેસબુક પ્રોફાઇલ છે. આ સમગ્ર કામમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સામેલ હોવાની આશંકા છે. પોલીસને આરોપીની પત્નીના બેંક ખાતામાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો પણ મળ્યા છે.

(7:16 pm IST)