Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

કોંગ્રેસની ચિંતન શિબિર પહેલા આંતરિક ઝઘડા બહાર આવ્‍યા : સચિન પાઇલટના બેનરો હટાવાતા સમર્થકો વિફર્યા

મંથન શિબિર બહાર વિરોધ પ્રદર્શન

નવી દિલ્‍હી તા. ૧૨ : રાજસ્‍થાનના ઉદયપુરમાં કોંગ્રેસ ચિંતન શિબિરની બહારથી કોંગ્રેસ નેતા સચિન પાયલટનો ફોટો હટાવી દેવામાં આવ્‍યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉદયપુર મ્‍યુનિસિપલ કોર્પોરેશને પાયલટનો ફોટો, પોસ્‍ટર અને બેનર હટાવી દીધા છે. પેટલાટના સમર્થકોએ કેમ્‍પની બહાર તેમના પોસ્‍ટર, બેનરો અને ફોટોગ્રાફસ લગાવ્‍યા હતા. બીજી તરફ સચિન પાયલટના સમર્થકોએ ઉદયપુર મ્‍યુનિસિપલ કોર્પોરેશનની આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે. ચિંતન શિબિરની બહારથી સચિન પાયલટની તસવીરો અને પોસ્‍ટર-બેનરો હટાવ્‍યા બાદ તેના સમર્થકોએ વિરોધ શરૂ કરી દીધો છે. સેંકડો પાયલોટ સમર્થકો ચિંતન શિબિર સ્‍થળની બહાર એકઠા થયા અને શેરીઓમાં ઉતરવાનું કહ્યું.

કોંગ્રેસે ઉદયપુરમાં ૧૩ થી ૧૫ મે સુધી ત્રણ દિવસીય ચિંતન શિબિર બોલાવી છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ શિબિરમાં હાજરી આપે તેવી શક્‍યતા છે. પોતાના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલી કોંગ્રેસે ઉદયપુરમાં ૧૩ થી ૧૫ મે દરમિયાન ત્રણ દિવસીય ચિંતન શિબિર બોલાવી છે. તેમાં ભાગ લેવા આગેવાનોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. દરેકને ૧૨ મે સુધીમાં આવવાનું કહેવામાં આવ્‍યું છે.

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ ત્રણ દિવસીય શિબિરમાં હાજરી આપે તેવી શક્‍યતા છે. આ સિવાય મુખ્‍યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પણ ચિંતન શિબિર પહોંચશે. આ શિબિરમાં ૪૦૦થી વધુ આગેવાનો ભાગ લેશે. આ માટે કોંગ્રેસે તમામ CWC સભ્‍યો, પ્રદેશ પ્રમુખો, CLP નેતાઓ, વિધાનસભાના નેતાઓ, કોંગ્રેસના સાંસદો અને પક્ષના વિવિધ સંગઠનોના વડાઓને આમંત્રણ મોકલ્‍યા છે.

આ શિબિરમાં આવનારા રાજયોમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવશે. કોંગ્રેસનું ચિંતન શિબિર એવા સમયે થઈ રહ્યું છે જયારે પાર્ટીએ આગળના રાજકીય પડકારોનો સામનો કરવા અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે વ્‍યૂહરચના તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. ચિંતન શિબિરમાં દેશભરમાંથી કોંગ્રેસના મોટા નેતાઓ સામેલ થશે, અહીં પાર્ટીના આંતરિક મુદ્દાઓ પર ચર્ચા થશે, સાથે જ સંગઠનને મજબૂત કરવા માટેના પગલાઓ પર પણ વિચારણા કરવામાં આવશે.

સોનિયા ગાંધીએ ચિંતન શિબિર દરમિયાન રાજકીય અને સંગઠનાત્‍મક મહત્‍વ, સામાજિક ન્‍યાય, અર્થતંત્ર, ખેડૂતો અને યુવાનોના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ૬ પેનલની પણ રચના કરી છે. આ શિબિરમાં મલ્લિકાર્જુન ખડગે રાજકીય મુદ્દાઓ પર પેનલનું નેતૃત્‍વ કરશે, જયારે ભૂપિન્‍દર સિંહ હુડ્ડા કૃષિ અને ખેડૂતોની સમિતિનું નેતૃત્‍વ કરશે. મુકુલ વાસનિક સંસ્‍થાકીય બાબતોની સંકલન પેનલનું નેતૃત્‍વ કરશે. સોનિયા ગાંધીએ G 23ના તમામ નેતાઓને આ પેનલમાં સામેલ કર્યા છે, જેઓ સતત કોંગ્રેસમાં નેતૃત્‍વ બદલવાની માંગ કરી રહ્યા છે.

(4:13 pm IST)