Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને મસ્જીદ વિવાદ પર કોર્ટે ફેંસલો અનામત રાખ્યો : હવે ૧૯મીએ નિર્ણય

જ્યાં ઇદગાહ મસ્જીદ બનાવાઇ હતી ત્યાં રાજા કંસના મૂળ કારાગાર છે : જ્યાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો

પ્રયાગરાજ તા. ૧૨ : અલ્હાબાદ હાઈકોર્ટે  શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદ કેસમાં મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટે મથુરા કોર્ટને નિર્દેશ આપ્યો છે કે તમામ અરજીઓનો મહત્ત્।મ ૪ મહિનામાં નિકાલ કરવામાં આવે. આ સાથે હાઈકોર્ટે સુન્ની વકફ બોર્ડ અને અન્ય પક્ષકારોને સુનાવણીમાં હાજર ન રહેવા માટે એકસપાર્ટી ઓર્ડર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે આ નિર્ણય ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાનના સૂટ મિત્ર મનીષ યાદવની અરજી પર સુનાવણી દરમિયાન આપ્યો. હાઈકોર્ટે આ નિર્દેશ હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આપ્યો હતો. આ અરજીમાં મામલાની રોજેરોજ સુનાવણી કરવાની માંગ કરવામાં આવી હતી. હિંદુ પક્ષે હાઈકોર્ટને આ મામલાને વહેલામાં વહેલી તકે નિકાલ કરવાની માંગ કરી હતી. હિંદુ પક્ષો વતી દાખલ કરવામાં આવેલી આ અરજીમાં અપીલ કરવામાં આવી હતી કે જો વિપક્ષ કોર્ટમાં હાજર ન થાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને એકતરફી આદેશ પસાર કરવામાં આવે. મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદ વચ્ચેના વિવાદ પર મથુરાની સેશન કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. કોર્ટે આ મામલે નિર્ણય ૧૯ મે સુધી અનામત રાખ્યો હતો. લખનૌની રહેવાસી રંજના અગ્નિહોત્રીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિની ૧૩.૩૭ એકર જમીનના માલિકી હકની માંગણી કરતો દાવો દાખલ કર્યો છે. જેમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિમાં બનેલી શાહી ઇદગાહ મસ્જિદને હટાવવાની પણ માંગ કરવામાં આવી છે. કોર્ટમાં દાખલ કરાયેલા દાવામાં ભગવાન કૃષ્ણના જન્મસ્થળની નજીક આવેલા કટરા કેશવ દેવ મંદિરના ૧૩.૩૭ એકરના સંકુલમાં મુગલ સમ્રાટ ઔરંગઝેબના આદેશ પર ૧૬૬૯-૭૦માં કથિત રીતે બનેલી મસ્જિદને હટાવવાની માંગ કરવામાં આવી છે.  આ મામલે બંને પક્ષોની સુનાવણી ૬ મેના રોજ પૂર્ણ થઈ ગઈ છે. સેશન જજ રાજીવ ભારતીએ કહ્યું કે તેઓ આ કેસમાં ૧૯ મેના રોજ ચુકાદો સંભળાવશે. શ્રી કૃષ્ણ વિરાજમાનના ભકત હોવાનો દાવો કરીને, રંજના અગ્નિહોત્રી અને અન્ય છ લોકોએ ગયા વર્ષે ૨૫ સપ્ટેમ્બરે સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં ૧૩.૩૭ એકર જમીનના ભાગ પર બનેલી શાહી મસ્જિદ ઇદગાહને ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી.

 

(3:55 pm IST)