Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

પ વર્ષમાં ર૦ હજાર કરોડથી વધુ રકમની ખેત ઉપજની ટેકાના ભાવે ખરીદી

કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ અકિલાની મુલાકાતે : પ્રાકૃતિક ખેતી પર ભાર : ખેડૂતોની આવક બમણી થશે : ગૌશાળા-પાંજરાપોળમાં રોજ પશુદીઠ સહાય : રખડતા ઢોરને નિયંત્રણમાં લાવવા ખાસ જોગવાઇ

રાઘવજી પટેલ અકિલામાં : રાજયના કૃષિ પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી  શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ચર્ચા કરેલ.  ભાજપના વિભાગીય પ્રવકતા રાજુ ધ્રુવ પણ સાથે રહ્યા હતાં. અકિલા પરિવાર વતી શ્રી કિરીટભાઇ ગણાત્રા, ડો. અનિલ દશાણી, સુનીલ મકવાણા વગેરેએ મંત્રીશ્રીને આવકાર્યા હતાં. (તસ્વીર : અશોક બગથરીયા)
રાજકોટ, તા. ૧ર : ગુજરાતના કૃષિ, પુશપાલન અને ગૌસંર્વધન મંત્રી શ્રી રાઘવજી પટેલ આજે સવારે અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલ તેમને સરકાર ખેડુતોના હિત માટે સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી ટેકાના ભાવે ખરીદી, ખેડૂતોલક્ષી યોજનાઓ વિગેરેની વિગતવાર માહિતી આપી હતી.
શ્રી રાઘવજી પટેલે અકિલાના આંગણે જણાવેલ કે ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સપનાને સાકાર કરવા રાજયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સરકાર કાર્યરીત છે. ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે અને ઉત્પાદનની ગુણવતા જળવાઇ રહે તેવા પ્રયાસો છે. સરકાર ખેડૂતો માટે પુરતી વ્યવસ્થા કરી રહી છે. બજારમાં ખેત ઉપજના ભાવ નીચા જાય તો તુરંત ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં મગફળી, કપાસ, રાયડો, તૂવેર, મગ વિગેરે ખેત ઉપજોની રૂા. ર૦ હજાર કરોડથી વધુ રકમની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આ વર્ષે ચણાનો મબલખ પાર્ક થયો છે ખેડૂતોને ખેત પેદાશોના પુરતા ભાવ મળતા ખુશખુશાલ છે. સરકાર ડુંગળીમાં કિલોને રૂા. ર ની સહાય ખેડૂતોને આપે છે.
કૃષિ મંત્રીએ જણાવેલ કે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઇચ્છ મુજબ રાજય સરકાર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક રીતે તૈયાર થયેલ ખેત ઉપજની ગુણવતા વધુ હોય છે. તે આરોગ્યપદ હોય છે તેમજ તેમનો ઉત્પાદન ખર્ચ પણ ઓછો થાય છે.
શ્રી રાઘવજી પટેલે જણાવેલ કે પશુપાલન માટે પણ સરકારની વિવિધ યોજનાઓ છે. બીનવારસી રખડતા ઢોરને પકડી પાંજરાપોળ કે ગૌશાળામાં મુકવામાં આવે છે. જેના કારણે ખૂંટીયા સહિતના પ્રાણીઓના કારણે થતા અકસ્માતો અટકશે. કોરોના કાળમાં દાન મળતુ ઓછુ થયુ હોવાથી સહાય માટે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા રજુઆત કરવામાં આવેલ તેના અનુસંધાને બજેટમાં પ૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગૌશાળામાં પશુ દીઠ રૂા. ૩૦ અને સાંઢ દીઠ રૂા. ૪૦ દૈનિક મુજબ જાહેર કરવામાં આવ્યા છે. હાલ ગૌશાળા અને પાંજરાપોળોમાં પ લાખ પશુઓ આંશ્રિત છે.

બોગસ બિયારણ અને ખાતરના કાળાબજાર  સામે કડક પગલા : મંત્રી રાઘવજી પટેલ
રાજકોટ : કૃષિમંત્રી રાઘવજી પટેલે બિયારણમાં ભેળસેળ કે ખાતરમાં કાળાબજાર સામે લાલ આંખ કરી છે. તેમણે જણાવેલ કે ખરીફ પાર્કની વાવણીની મૌસમ નજીક આવી રહી છે. બોકસ બિયારણો વેચવા કે બિયારણના કાળાબજાર કરવા અથવા ખાતરમાં કોઇ પ્રકારની ગેરરીતિ કરવા સામે કડક કાયદાકીય પગલા ભરવા તંત્રને સુચના અપાવેલ છે. કયાંય યુરીયા ખાતરના વિતરણ કે વેચાણમાં નિયમભંગ માલુમ પડેશે તો કડક પગલા લેવામાં આવશે. ખેડુતોને જરૂરીયાત મુજબ ખાતર અને બિયારણ મળી રહેશે. કેન્દ્રીય ખાતર મંત્રી મનસુખ માંડવીયા પણ ખેડૂતો માટે પુરતી વ્યવસ્થા કરવા કાર્યરત છે.  

રાઘવજી પટેલની નંગવાળી વીટીઓનું રહસ્ય શું ?

 

રાજકોટ : આજે અકિલાના મુલાકાત વખતે કૃષિમંત્રી શ્રી રાઘવજી પટલે પોતાના હાથની આંગળીઓમાં પહેરી નંગવાળી વીટીઓનું રહસ્ય દર્શાવ્યું હતું તેમને જણાવેલ કે જુદી જુદી આંગળીઓમાં બુધ, શનિ, ગુરૂના ગ્રહવાળી વીંટી છે. નિરાશ થાય ત્યારે મિત્રો આ વીંટી પહેરાવે છે. વીંટી પહેરીને ફરી સતા પર આવશો તેવી શુભેચ્છા આપે છે. મેં જાહેર જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. ચાર વખતે ધારાસભાની ચૂંટણી જીત્યો છું અને ત્રણ વખત ચૂંટણી હાર્યો છું. પ્રજાના પ્રેમ અને પાર્ટીએ કરેલી પસંદગીથી આજે ફરી મંત્રી મંડળમાં છું.

(3:51 pm IST)