Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

શ્રીલંકામાં હિંસક વિરોધ પ્રદર્શનો ચાલુ

રાજપક્ષે પરિવારે દેશ છોડીને વિદેશ ભાગવાનો કર્યો ઇન્‍કાર

કોલંબો તા. ૧રઃ શ્રીલંકા કથળેલી પરિસ્‍થિતિ હાલ તો સુધરે તેવું દેખાતું નથી. કટોકટી અને રાષ્‍ટ્રવ્‍યાપી કર્ફયુ છતાં પણ બુધવારે હિંસા ચાલુ જ રહી હતી. જોકે સેનાના અધિકારીઓએ દેશમાં માર્શલ લો લગાવવાની તૈયારી બાબતે ઇન્‍કાર કર્યો છે. તો શ્રીલંકાના ભૂતપૂર્વ વડાપ્રધાન મહિંદા રાજપક્ષેના પુત્ર અને ભૂતપૂર્વ પ્રધાન નમલ રાજપક્ષેએ સ્‍પષ્‍ટતા કરી છે કે અમે દેશ છોડીને નહીં ભાગીએ મારા પિતા મહિંદા રાજપક્ષે પોતાના ઉત્તરાધિકારીને પસંદ કરવામાં સક્રિય ભૂમિકા નિભાવવા ઇચ્‍છે છે. તેઓ સુરક્ષિત સ્‍થાન પર છે અને તેઓ ભારત ભાગી ગયાના મીડીયા સમાચારો સરાસર ખોટા છે.

તો ભારતે પણ શ્રીલંકન નેતાઓ ભાગીને ભારત આવ્‍યાની વાતને રદીયો આપ્‍યો છે. શ્રી લંકામાં ભારતીયડ દૂતાવાસે કહ્યું કે આ સમાચારોમાં કોઇ સત્‍ય નથી. આ સાથે જ ભારતે એ પણ કહ્યું કે ભારત પોતાના સૈનિકોને શ્રીલંકા નહીં મોકલે.

દરમ્‍યાન, શ્રીલંકામાં હિંસાની પરિસ્‍થિતિ ચાલુ જ છે. રાજધાની નજીકના નિગોંબો શહેરમાં આગ ચાંપવાની ઘણી ઘટનાઓ બની છે. રોષે ભરાયેલ ટોળાએ ભૂતપૂર્વ રમત ગમત પ્રધાન નમલ રાજપક્ષેના એક લકઝરી રીસોર્ટને સળગાવી દીધો. ઘણી સરકારી સંપત્તિઓમાં પણ તોડફોડ કરવામાં આવી. સુરક્ષા દળોને કાયદાનું ઉલ્લંઘન કરનાર અને લુંટ કરનારને જોતા વેત ગોળી મારવાના આદેશ છે.

બે દિવસના રાજકીય ગતિરોધ સાથે સાથે નવા વડાપ્રધાનની નિયુકતી માટે પ્રયાસો ચાલુ છે. રાજપક્ષે પરિવાર સામે હિંસક પ્રદર્શનો છતાં રાષ્‍ટ્રપતિ ગોરબાયા રાજપક્ષે પદ છોડવા નથી માંગતા. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન મહિંદા રાજપક્ષેના નાનાભાઇ છે. તેમની પાસે વ્‍યાપક સત્તાઓ અને સુરક્ષા દળોનો કમાન્‍ડ છે.

(3:10 pm IST)