Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

૨૨ કુતરા વચ્‍ચે ૧૧ વર્ષના બાળકને ૨ વર્ષ સુધી બંધ રાખ્‍યો

મા - બાપે ક્રૂરતાની હદ વટાવી

મુંબઇ તા. ૧૨ : મહારાષ્ટ્રના પુણેમાં એક માતા-પિતાએ પોતાના પુત્ર સામે ક્રૂરતાની હદ વટાવી દીધી છે. પુણેના કોંધવા વિસ્‍તારમાં, એક માતા-પિતાએ તેમના ૧૧ વર્ષના પુત્રને બે વર્ષ સુધી ૨૨ કૂતરા સાથે નાના ફલેટમાં રહેવા દબાણ કર્યું. આ કેસમાં માતા-પિતાની ધરપકડ કરવામાં આવી છે. જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા.
આ મામલો ત્‍યારે પ્રકાશમાં આવ્‍યો જયારે કોંધવાના ક્રિષ્‍નાઈ બિલ્‍ડીંગના રહેવાસીઓએ ચાઈલ્‍ડ લાઈન સંસ્‍થાના અનુરાધા સહસ્રબુદ્ધેને જાણ કરી કે એક નાનો બાળક આખો દિવસ ફલેટની ગેલેરીમાં બેસી રહેતો હતો અને દિવસભર ઘરમાંથી કૂતરાઓના ભસવાનો અવાજ આવતો હતો. બાળકના માતા-પિતા સવારે ઘરેથી નીકળી જાય છે અને બાળક કૂતરાઓ વચ્‍ચે રહે છે.
આ ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ચાઈલ્‍ડ લાઈનની મદદથી ક્રિષ્‍નાઈ બિલ્‍ડીંગના ફલેટમાં દરોડો પાડી બાળકને કૂતરાઓમાંથી બહાર કાઢીને બાળ કલ્‍યાણ કેન્‍દ્રને સોંપ્‍યું હતું અને બાળ સુધાર ગૃહમાં મોકલી આપ્‍યું હતું. તે જ સમયે, માતા અને પિતા વિરુદ્ધ જુવેનાઇલ જસ્‍ટિસ એક્‍ટની કલમ ૨૩ અને ૨૮ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો હતો.
વરિષ્ઠ પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર સરદાર પાટીલે જણાવ્‍યું કે આરોપીઓના નામ સંજય લોઢિયા અને શીતલ લોઢિયા છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, સંજય લોઢિયા અને શીતલ લોઢિયા કોંઢવા વિસ્‍તારની કૃષ્‍ણાઈ બિલ્‍ડિંગમાં રહે છે. તેઓ જે ઘરમાં રહે છે ત્‍યાં ૨૦ થી ૨૨ કૂતરા પણ રાખવામાં આવ્‍યા છે, તમામ શ્વાનને રસ્‍તા પરથી ઉપાડીને ઘરમાં રાખવામાં આવ્‍યા છે.
નવાઈની વાત એ છે કે સંજય અને શીતલે તેમના ૧૧ વર્ષના પુત્રને આ ૨૨ કૂતરા સાથે બે વર્ષ સુધી બેડરૂમ કિચન સાથેના ફલેટમાં રાખ્‍યા હતા. પાડોશીઓએ પોલીસને જણાવ્‍યું કે બાળક બારીમાં બેસીને કૂતરાની જેમ વર્તે છે. કોરોનાને કારણે શાળા બે વર્ષથી બંધ હતી, હવે શાળા શરૂ થતાં જ બાળક શાળામાં વિદ્યાર્થીઓને કરડતો સામે આવ્‍યો.
પોલીસ આ અંગે શાળા પ્રશાસન પાસેથી માહિતી મેળવવાની છે. આ મામલામાં ચાઈલ્‍ડ લાઈનના સંયોજકો અપર્ણા મોદક અને અનુરાધા સહ્વબુદ્ધેએ જણાવ્‍યું કે જયારે તેઓએ ઘરનું નિરીક્ષણ કર્યું ત્‍યારે ૧૧ વર્ષનો છોકરો ઘરમાં કૂતરા સાથે જોવા મળ્‍યો હતો અને તેની આસપાસ ૨૦-૨૨ કૂતરાં જોવા મળ્‍યા હતા. તે બધા રખડતા કૂતરાઓ છે. રૂમમાં પણ ઘણી ગંદકી હતી.

 

(12:16 pm IST)