Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

વિજળીનો તોતિંગ ભાવવધારો આવી રહ્યો છે

યુનિટે ૫૦ પૈસાથી ૧ રૂપિયો જેટલો તોતિંગ ડામ પ્રજાને લાગે તેવી શક્‍યતાઃ ડિમાન્‍ડ અને સપ્‍લાય વચ્‍ચે ઉંડી ખાઇ : કેન્‍દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંઘએ આપ્‍યો સંકેતઃ વિજ કંપનીઓની તોતિંગ ખોટ સરભર કરવા ભાવવધારો કરવો અનિવાર્ય હોવાનો દાવો

નવી દિલ્‍હી તા.૧૨: દૂધ, અનાજ, કઠોળ, ખાદ્યતેલ, શાકભાજી, પેટ્રોલ, ડિઝલ, કેરોસીન, સીએનજી સહિતના ભાવવધારા બાદ હવે આગામી દિવસોમાં વિજળીનો ઝાટકો પ્રજાને લાગે તેવી પૂરેપૂરી શક્‍યતા છે.

કેન્‍દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંઘએ એવો નિર્દેશ આપ્‍યો છે કે, દર યુનિટે ૫૦ પૈસાથી રૂપિયા ૧નો વધારો કરવો જરૂરી બન્‍યો છે. તેઓએ જણાવ્‍યું છે કે, હાલ કોલસાની અછત ઉપરાંત કાળઝાળ ઉનાળાના કારણે ડિમાન્‍ડ અને સપ્‍લાય વચ્‍ચે મોટી ખાઇ ઉભી થઇ હોવાથી વિજળીની તંગી ઉભી થઇ છે અને તે ખરીદવી પડી રહી છે. એટલું જ નહીં, વિવિધ વિજ કંપનીઓને ખોટના ખાડામાંથી બહાર કાઢવા માટે પણ ભાવવધારો કરવો જરૂરી બન્‍યો છે.

મળતા નિર્દેશો મુજબ માત્ર ૫૦ પૈસા કે ૧ રૂપિયા પર યુનિટે ભાવવધારાથી કંપનીઓની ખોટ પૂરી થવાની નથી. યુનિટે ૭ રૂપિયાનો ભાવવધારો કરવામાં આવે તો જ કંપનીઓ ખોટમાંથી બહાર આવી શકે તેમ છે. એક્ષચેન્‍જ રેટ પર યુનિટે ૧૨ રૂપિયા હોવાનું જાણવા મળે છે.

અત્રે એ નોંધનીય છે કે, દેશના અનેક ભાગોમાં કોલસાની અછતના કારણે વિજકાપ મુકવો પડયો છે. વધુમાં દેશભરમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા હોવાથી વિજળીની માંગ વધી છે અને તેની સપ્‍લાય પૂરી કરવા વિવિધ વિજ કંપનીઓ ઉંધા માથે થઇ ગઇ છે. જો, વિજળીનો ભાવવધારો ઝીંકવામાં આવશે તો મોંઘવારી ક્‍યાં પહોંચશે તે એક સવાલ છે.

(11:42 am IST)