Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મુંબઈ : દરોડામાં મળ્યા હતા ૩૦ કરોડ : કેસને દબાવા માટે પોલીસે લીધા ૬ કરોડ

ફરિયાદ બાદ મામલાની તપાસ કરતા થયો ખુલાસો

મુંબઇ તા. ૧૨ : મહારાષ્ટ્રના મુંબ્રા પોલીસ સ્ટેશનના ૩ અધિકારીઓ અને ૭ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ લોકોએ કાળા નાણાની માહિતીના આધારે એક બિલ્ડરના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ૩૦ કરોડની રોકડ મળી હતી. આરોપ છે કે આ પછી મામલાને દબાવવા માટે ત્રણેય પોલીસ અધિકારીઓએ બિલ્ડર પાસેથી બળજબરીથી ૬ કરોડ રૃપિયા લીધા હતા. તેની ફરિયાદ થાણે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી. ફરિયાદ બાદ મામલાની તપાસ કરવામાં આવી હતી.
માહિતી અનુસાર, થાણે શહેર પોલીસે મુંબ્રા સર્કલના આસિસ્ટન્ટ કમિશનર વેંકટ આંધે અને મુંબ્રા પોલીસ સ્ટેશનના પ્રભારી અશોક કડાલકની વિભાગીય તપાસના આદેશ જારી કર્યા છે. આરોપી પોલીસકર્મીઓ મેડિકલ લીવ પર ગયા છે. મુંબ્રા પોલીસ સ્ટેશનના ગીતારામ શેવાળે, હર્ષદ કાલે અને મદને પર તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ગીતારામ શેવાળે મુંબ્રા પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ પોલીસ ઈન્સ્પેકટર છે. હર્ષદ કાલે તે જ સમયે પોલીસ ઇન્સ્પેકટર છે. ૧૨ એપ્રિલે તેમને સમાચાર મળ્યા કે મુંબ્રામાં બિલ્ડર ફૈઝલ મેનનના ઘરમાં મોટા પાયે કાળું નાણું છે.
આ પછી આ લોકોએ મેનનના ઘરે દરોડા પાડ્યા અને ૩૦ કરોડ રૃપિયા રિકવર કર્યા. આ પછી જપ્ત કરાયેલી રકમ મુંબ્રા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી. આરોપ છે કે આ પછી પોલીસ અધિકારીઓએ સમગ્ર મામલાને દબાવવા માટે ૬ કરોડ રૃપિયા લીધા હતા. આ પછી ઈબ્રાહીમ શેખ નામના યુવકે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ થાણે શહેરના પોલીસ ડેપ્યુટી કમિશનર અવિનાશ અંબુરે દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ મુંબ્રા પોલીસ સ્ટેશનના ૩ અધિકારીઓ અને ૭ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 

(11:37 am IST)