Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મોદી સરકારના આઠ વર્ષની એક પખવાડીયા સુધી કરાશે ઉજવણી

રાજયોને સમિતી બનાવવા અપાયા આદેશ : દરેક બૂથ સુધી પહોંચશે ભાજપા

નવી દિલ્હી, તા.૧૨: કેન્દ્રમાં મોદી સરકારના આઠ વર્ષ પૂર્ણ થવાના બહાને ભાજપા દેશના દરેક બૂથ સુધી પહોંચશે. દરમ્યાન, ગત લોકસભા ચૂંટણીમાં પક્ષનું સરેરાશ અથવા ખરાબ પ્રદર્શન રહ્યું હતું એવા ૭૩૦૦૦ બૂથો પર પક્ષ ખાસ ધ્યાન આપશે. પક્ષ ૩૦મેથી ૧૫ જૂન સુધી બૂથ થી પ્રદેશ સ્તર સુધી સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ કાર્યક્રમ દ્વારા આર્થિક રીતે પછાત વર્ગને સાધશે. કાર્યક્રમ માટે ભાજપા અધ્યક્ષ જે પી નડ્ડાએ બધા રાજયોને ત્રણ સભ્યોની સમિતિ બનાવવા સૂચના આપી છે.

લોકસભા અને ત્યારબાદ થયેલ વિધાનસભા ચુંટણીઓમાં ભાજપે પોતાના માટે આર્થિક રીતે પછાત વર્ગની એક નવી મત બેંક બનાવી છે. મોદી સરકારના આઠ વર્ષ પુરા થવા પર પક્ષની યોજના વર્ગને પકડી રાખવાની છે. એટલે પક્ષની નેતાગીરીએ રાષ્ટ્રીય સ્તરથી માંડીને મંડળ સ્તરના નેતાઓ-કાર્યકરોને બૂથ, બ્લોક, જીલ્લા, મંડળ સ્તરે ૧૫ દિવસ સુધી કાર્યક્રમો કરવા કહ્યુ છે.

જીલ્લાઓમાં કેન્દ્રિય યોજનાઓના લાભાર્થીઓના સંમેલન કરાવવાની પણ યોજના છે. સંમેલનોમાં કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ, ગરીબ કલ્યાણ યોજના, હર ધરનલ યોજના, ઉજ્જવલા યોજના, આયુષમાન ભારત યોજના, મફત રસીકરણ યોજના વગેરેની માહિતી આપવા કહેવામાં આવ્યુ છે. ઉપરાંત બૂથ સ્તરે કેન્દ્રિય યોજનાઓથી વંચિત પરિવારોને તેની સાથે જોડવા માટે કાર્યક્રમો કરવા નિર્દેશ અપાયા છે.

(11:36 am IST)