Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રશિયા-યુક્રેન યુદ્ધ અને ક્રુડની વધતી કિંમતોને કારણે સિમેન્‍ટના ભાવ વધુ વધી શકે છે

ડિસેમ્‍બર સિવાય સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઓલ ઈન્‍ડિયા રિટેલ સિમેન્‍ટના ભાવ ઉંચા રહ્યા છેઃ ગયા વર્ષે માત્ર ડિસેમ્‍બર ૨૦૨૧માં તે ૩૪૯ રૂપિયા પ્રતિ બેગના સૌથી નીચા સ્‍તરે જોવા મળ્‍યો હતો

નવી દિલ્‍હી,તા.૧૨: દેશમાં બાંધકામ પ્રવૃત્તિઓમાં તેજી અને વૈશ્વિક અસ્‍થિરતાની સાથે પેટ્રોલ, ડીઝલના વધતા ભાવની અસર સિમેન્‍ટના ભાવ પર પણ જોવા મળી શકે છે. કેર રેટિંગ્‍સના સંશોધન અહેવાલ મુજબ, છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન સિમેન્‍ટની માંગ મજબૂત રહી છે. આગામી દિવસોમાં પણ આ અપટ્રેન્‍ડ ચાલુ રહે તેવી શક્‍યતા છે. વધતી માંગ પ્રમાણે ભાવ પણ ઊંચા સ્‍તરે જોવા મળી શકે છે.

ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સિમેન્‍ટ સેક્‍ટરમાં અત્‍યાર સુધીની સૌથી વધુ ૨૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે. તે જ સમયે, તેના ગયા નાણાકીય વર્ષમાં તેમાં ૧૧ ટકાનો ઘટાડો થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે દેશમાં ચાલી રહેલા સરકારના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર કામને કારણે આ વધારો જોવા મળી રહ્યો છે.

ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ ક્ષેત્રની માંગમાં ૫૪ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. આ વલણ તેના આગામી ક્‍વાર્ટરમાં ૨૨ ટકાની વૃદ્ધિ સાથે ચાલુ રહ્યું. ત્રીજા ક્‍વાર્ટરમાં, દિલ્‍હી એનસીઆરમાં બાંધકામ પ્રવૃત્તિઓમાં સંયમને કારણે તેમાં થોડો ઘટાડો જોવા મળ્‍યો હતો. જો કે, તે પછી ચોથા ક્‍વાર્ટરમાં ફરી એકવાર ૧૩ ટકાનો વધારો થયો હતો.

દેશમાં ગ્રામીણ મકાન બાંધકામ તેમજ મધ્‍ય અને દક્ષિણ ભારતમાં માળખાકીય પ્રવૃત્તિઓએ માંગને વેગ આપ્‍યો છે. બીજી તરફ, પૂર્વ અને પヘમિ વિસ્‍તારોમાં માંગ એક શ્રેણીમાં રહી છે.

રિપોર્ટ અનુસાર, ડિસેમ્‍બર સિવાય સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઓલ ઈન્‍ડિયા રિટેલ સિમેન્‍ટની કિંમત ઊંચી રહી છે. માત્ર ડિસેમ્‍બર મહિનામાં જ તે ૩૪૯ રૂપિયા પ્રતિ બેગના નીચા સ્‍તરે જોવા મળ્‍યો હતો. જો કે આ પછી નાણાકીય વર્ષના ચોથા ક્‍વાર્ટરમાં તેમાં ૨૩ ટકાનો વધારો જોવા મળ્‍યો છે.

નિષ્‍ણાતોના મતે ભાવ વધવાનું મુખ્‍ય કારણ રશિયા-યુક્રેન યુદ્ધ અને તેલની વધતી કિંમતો છે. આ પરિબળો સિમેન્‍ટના ઉત્‍પાદન ખર્ચને અસર કરે છે. આગામી દિવસોમાં પણ ભાવ ઉંચા રહે તેવી દહેશત છે.

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સિમેન્‍ટની માંગનો ટ્રેન્‍ડ ઉપર તરફ ઈશારો કરી રહ્યો છે. ઉપરાંત, ટૂંકા ગાળામાં, સિમેન્‍ટ ઉત્‍પાદકો પર ખર્ચનું દબાણ વધશે અને તેઓ તેનો બોજ ગ્રાહકોને આપશે. 

(10:31 am IST)