Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મોર્ગન સ્‍ટેનલીએ ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં ઘટાડો કર્યો

ફુગાવો અને મંદીની અસર થશે : FY2023 માટે ભારતનો ગ્રોસ ડોમેસ્‍ટિક પ્રોડક્‍ટ (GDP) વૃદ્ધિ ૭.૬ ટકા અને FY2024 માટે ૬.૭ ટકા રહેશે

નવી દિલ્‍હી,તા.૧૨: વૈશ્વિક બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્‍ટેનલીએ આગામી બે નાણાકીય વર્ષ માટે ભારતની આર્થિક વૃદ્ધિ માટેનું અનુમાન ઘટાડી દીધું છે. બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્‍ટેન્‍લીનું કહેવું છે કે વૈશ્વિક મંદી, તેલની વધતી કિંમતો અને નબળી સ્‍થાનિક માંગ એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રને અસર કરશે.

બ્રોકરેજ હાઉસે એક નોંધમાં જણાવ્‍યું હતું કે FY2023 માટે ભારતની ગ્રોસ ડોમેસ્‍ટિક પ્રોડક્‍ટ (GDP) વૃદ્ધિ ૭.૬ ટકા અને FY2024 માટે ૬.૭ ટકા રહેશે. મોર્ગન સ્‍ટેનલીએ ભારતના આર્થિક વિકાસ માટેના તેના અગાઉના અનુમાનમાં ૩૦ બેસિસ પોઈન્‍ટ્‍સનો ઘટાડો કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે ક્રૂડના ભાવમાં વધારો થયો છે, જેના કારણે ભારતમાં રિટેલ ફુગાવો વધ્‍યો છે. ભારતમાં છૂટક ફુગાવો ૧૭ મહિનાની ટોચે પહોંચી ગયો છે.

ભારતમાં મોર્ગન સ્‍ટેનલીના ચીફ ઇકોનોમિસ્‍ટ ઉપાસના છચરા જણાવે છે કે ઊંચી ફુગાવા સાથે નબળી ગ્રાહક માંગ, તંગ નાણાકીય સ્‍થિતિ, બિઝનેસ સેન્‍ટિમેન્‍ટ પર પ્રતિકૂળ અસર અને મૂડીરોકાણ રિકવરીમાં વિલંબ જેવી અસરો થઈ શકે છે. તેઓ કહે છે કે મોંઘવારી અને દેશની ચાલુ ખાતાની ખાધ બંને ભાવ દબાણ અને કોમોડિટીના રેકોર્ડ ઊંચા ભાવને કારણે સ્‍થિતિ બગડી શકે છે. ક્રૂડની વધતી કિંમતોથી થોડી રાહત માટે, ભારત રશિયા પાસેથી રાહત દરે તેલ આયાત કરી રહ્યું છે.

ભારત તેની લગભગ ૮૦ ટકા તેલની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે અને ક્રૂડના વધતા ભાવોએ દેશના વેપાર અને ચાલુ ખાતાની ખાધમાં વધારો કર્યો છે. ઉપરાંત, તેની અસર રૂપિયા પર પડી રહી છે અને આયાત ફુગાવો વધી રહ્યો છે.

(10:29 am IST)