Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

કાલથી રાજસ્‍થાનમાં કોંગ્રેસની ૩ દિવસની મંથન શિબિર : વિજય મંત્ર ઉપર થશે ચર્ચા

કોંગ્રેસનો સ્‍વીકાર : પ્રાદેશિક પક્ષોનું ઘોડાપુર તેને બેઠી થવા નહિ દયે

નવી દિલ્‍હી,તા. ૧૨: કોંગ્રેસની ટોચની નેતાગીરીનું માનવું છે કે જો કોંગ્રેસ નબળી રહેશે તો પ્રાદેશિક પક્ષોનો ઉદય તેને પુનઃપ્રાપ્ત થવા દેશે નહીં અને પક્ષ રાષ્ટ્રીય સ્‍તરે દેશનો મજબૂત રાજકીય વિકલ્‍પ બની શકશે નહીં. કોંગ્રેસ ઉદયપુર ચિંતન શિબિરમાં કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરવાને બદલે પોતાને મજબૂત બનાવવાનો નિર્ણય કરશે. ત્રણ દિવસીય શિબિરમાં પક્ષના નેતાઓ કોઈ પૂર્વ નિર્ધારિત દસ્‍તાવેજ લઈને બેસશે નહીં. આવનારા સૂચનો અને ચર્ચા બાદ રિપોર્ટ તૈયાર થશે.

તેલંગાણામાં એકલા ચૂંટણી લડવાનો રાહુલ ગાંધીનો નિર્ણય એ પણ સ્‍પષ્ટ સંકેત છે કે કોંગ્રેસ પ્રાદેશિક પક્ષો સાથે જોડાણ કરવાને બદલે પોતાની જાતને મજબૂત કરશે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે આમ આદમી પાર્ટી, TRS અને TMC જેવી પાર્ટીઓના ઉદયથી કોંગ્રેસને નુકસાન થયું છે.

નેતાઓની દલીલ છે કે ચૂંટણી પરિણામો આવ્‍યા બાદ યુપીએની રચના થઈ હતી. જે પક્ષો યુપીએ-૧નો ભાગ હતા તે યુપીએ-૨માં નહોતા. ઉદયપુરમાં ૧૩ થી ૧૫ મે દરમિયાન યોજાનાર નવ સંકલ્‍પ ચિંતન શિબિરનું કેન્‍દ્રબિંદુ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી છે.

નારાજ નેતાઓને પણ શિબિરમાં બોલાવવામાં આવ્‍યા છે. સોનિયા ગાંધીએ નારાજ નેતાઓને મહત્‍વની જવાબદારી સોંપીને ગ્રુપ-૨૩ના નેતાઓની નારાજગી દૂર કરી છે. સોનિયા પહેલાથી જ ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, ભૂપિન્‍દર સિંહ હુડ્ડા, મનીષ તિવારી, મુકુલ વાસનિકને શિબિર સાથે સંબંધિત વિશેષ જૂથોમાં સામેલ કરી ચૂકી છે. કપિલ સિબ્‍બલને પણ ભૂતપૂર્વ કેન્‍દ્રીય મંત્રી તરીકે આમંત્રણ આપવામાં આવ્‍યું છે. પૃથ્‍વીરાજ ચવ્‍હાણ, વિવેક ટંખા પણ આમંત્રિત છે.

કોંગ્રેસની અંદરના સમાચારો સુધી પહોંચવાથી સોનિયા ગાંધી ચિંતિત છે. સોમવારે સીડબ્‍લ્‍યુસીની બેઠકમાં સોનિયાએ કહેવું પડ્‍યું કે તેમની વચ્‍ચેની ચર્ચાઓ પણ બહાર જાય છે. ચિંતન શિબિરમાં જૂથોની ચર્ચા દરમિયાન પ્રતિનિધિઓના ફોન બહાર રાખવાની પણ શક્‍યતા છે. 

(10:29 am IST)