Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

એપલે આઇપોડને બંધ કરીને એક યુગનો અંત આણ્‍યો

આશરે ૨૦ વર્ષ પહેલાં વર્ષ ૨૦૦૧માં કંપનીએ પહેલું આઇપોડ લોન્‍ચ કર્યું હતું

નવી દિલ્‍હી,તા.૧૨: એપલે આઇપોડ ટચને સત્તાવાર રીતે બંધ કરી દીધું છે. આશરે ૨૦ વર્ષ પહેલાં વર્ષ ૨૦૦૧માં કંપનીએ પહેલું આઇપોડ લોન્‍ચ કર્યું હતું. કંપનીએ ધીમે-ધીમે આઇપોડના બિઝનેસમાંથી પોતાનો હાથ ખેંચી લીધો છે. જોક છેલ્લા યુનિટ સુધી ગ્રાહકો આઇપોડ ટચ ખરીદી શકશે, એમ કંપનીએ કહ્યું હતું. કંપનીએ કહ્યું હતું કે ગ્રાહકો આઇપોડ ટચ કંપનીના ઓનલાઇન સ્‍ટોર કે કંપનીના રિસેલર્સ પાસેથી સ્‍ટોક હશે, ત્‍યાં સુધી ખરીદી શકશે.

કંપનીની બધી પ્રોડક્‍ટ એપલ મ્‍યુઝિકની સાથે આવે છે, એમાં આઇપોડ જીવતું રહેશે, એમ કંપનીના વર્લ્‍ડવાઇડ માર્કેટિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્‍ટ ગ્રેગ જોસવિયાકે કહ્યું હતું. અમે આઇફોનથી એપલ વોચ સુધી, હોમપોડ મિનીથી માંડીને મેક, આઇપેડ અને એપલ ટીવી સહિત એપલની બધી પ્રોડક્‍ટોમાં એક અદભુત મ્‍યુઝિકનો અનુભવ ગ્રાહકોને કરાવ્‍યો હતો.

અમે ગ્રાહકોને સાઉન્‍ડ ક્‍વોલિટી, મ્‍યુઝિક સાંભળવાનો, ડિસ્‍કવર કરવાનો અને શેર કરવા સહિત મ્‍યુઝિકની મજાનો એક અનોખો અનુભવ કરાવ્‍યો હતો, કેમ કે એના સિવાય બીજો કોઈ પ્રકાર હોઈ ના શકે, એમ તેમણે કહ્યું હતું, વળી, આઇપોડ કદાચ યુઝર્સ માટે એપલ ઇકોસિસ્‍ટમ સાથે જોડવાનો સસ્‍તો માર્ગ હતો. આઇપોડને ડિસકન્‍ટિન્‍યુ કરવાના એપલના નિર્ણય પછી લોકોએ ટ્‍વિટર પર ઇમોશનલ નોટ્‍સ શેર કરી હતી.

(10:26 am IST)