Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

નાઈજીરિયામાં ISIS આતંકવાદીઓનો કહેર : 20 ખ્રિસ્તીઓનું ગળું કાપીને કરી ક્રૂર હત્યા

ISISના આતંકવાદીઓએ તેમના આકાઓની હત્યાનો બદલો લેવા માટે 20 ખ્રિસ્તીઓનું ગળું કાપીને હત્યા કરી:ખતરનાક આતંકવાદીઓએ આ ઘટનાનો એક વીડિયો પણ જાહેર કર્યો

નવી દિલ્હી :સમગ્ર આફ્રિકા ખંડ ઈસ્લામિક સ્ટેટના ખતરનાક આતંકવાદીઓનો ગઢ બની રહ્યો છે. મોઝામ્બિક, ઈથોપિયા, નાઈજીરીયા, નાઈજર, ઘાના સહિત ઘણા એવા દેશ છે જે આઈએસઆઈએસના આતંકથી પરેશાન છે. હવે ISISના આતંકવાદીઓએ નાઈજીરિયામાં તેમના આકાઓની હત્યાનો બદલો લેવા માટે 20 ખ્રિસ્તીઓનું ગળું કાપીને હત્યા કરી છે. એટલું જ નહીં, આ ખતરનાક આતંકવાદીઓએ આ ઘટનાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. આ વીડિયોમાં માસ્ક પહેરેલા આતંકવાદીઓ હાથમાં ચાકુ લઈને ખ્રિસ્તી બંધકોની સામે ઘૂંટણિયે પડેલા જોવા મળે છે.

ડેઈલીમેઈલના અહેવાલ મુજબ, આઈએસઆઈએસના આ ખતરનાક આતંકવાદીઓએ નાઈજીરીયાના બોર્નો રાજ્યમાં આ ખ્રિસ્તીઓનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરી હતી. બોકો હરામ અને ઇસ્લામિક સ્ટેટ ઇન વેસ્ટ આફ્રિકા (ISWAP), આ રાજ્યમાં બે કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદી જૂથો મોટા પાયે અપહરણ, લૂંટ અને હત્યા કરી રહ્યા છે. વિડિયો ફૂટેજમાં ISISના એક જલ્લાદને હૌસા ભાષામાં કહેતા દર્શાવવામાં આવ્યા છે કે આ હત્યાઓ આ વર્ષની શરૂઆતમાં મધ્ય પૂર્વમાં ISIS નેતાઓના મૃત્યુની પ્રતિક્રિયા હતી.

નાઇજીરીયા આફ્રિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાષ્ટ્ર છે બોકો હરામના ઇસ્લામિક ઉગ્રવાદી બળવાખોરો અને ઇસ્લામિક સ્ટેટ પશ્ચિમ આફ્રિકાના આતંકવાદીઓ સામે લડી રહ્યું છે. આ ઉગ્રવાદીઓ નાઈજીરીયામાં શરિયા કાયદાની સ્થાપના અને પશ્ચિમી શિક્ષણને રોકવાની માંગ કરી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ મુજબ, નાઈજીરીયામાં આતંકવાદી હિંસામાં 35,000 થી વધુ લોકો માર્યા ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે.

(12:23 am IST)