Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

પુલવામા પોલીસને મળી મોટી સફળતા :લશ્કરના આતંકીઓ ઝડપાયા :મોટી માત્રામાં હથિયારો જપ્ત

એક આતંકવાદી અને તેના સહયોગીની ધરપકડ: પકડાયેલા આતંકીની ઓળખ વકાર બશીર ભટ તરીકે થઈ

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાનીપોલીસને મોટી સફળતા મળી છે. તેણે CRPF સાથે મળીને એક આતંકવાદી અને તેના સહયોગીની ધરપકડ કરી છે. પકડાયેલા આતંકીની ઓળખ વકાર બશીર ભટ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે બંને લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાની હેન્ડલર સાથે સંકળાયેલા હતા. આતંકવાદીઓ પાસેથી એક પિસ્તોલ, એક મેગેઝિન, તેમજ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી પણ મળી આવી છે. જણાવી દઈએ કે પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમ દ્વારા ઝડપી કાર્યવાહીમાં ન માત્ર એક આતંકવાદી અને તેના સહયોગીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેની યોજનાઓ નિષ્ફળ બનાવી હતી.

ઘાટીમાં હાઈબ્રિડ આતંકવાદીઓની સંખ્યા સતત વધી રહી છે. ગયા મહિને 25મીએ સુરક્ષા દળોએ પુલવામા જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના એક માણસ અને તેના સહયોગીની ધરપકડ કરી હતી, જેઓ પરપ્રાંતિય મજૂરોને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. પ્રવક્તાએ કહ્યું કે, ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ રઈસ અહેમદ મીર નામના એક શકમંદની ધરપકડ કરી અને તેની પાસેથી પિસ્તોલ અને કારતુસ જપ્ત કર્યા. પ્રારંભિક પૂછપરછ દરમિયાન, શંકાસ્પદ વ્યક્તિએ ખુલાસો કર્યો હતો કે, તેને પમ્પોર શહેરમાં ઓછામાં ઓછા બે સ્થળાંતર મજૂરોને મારવા માટે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી (કોડ નેમ હાજી) પાસેથી પિસ્તોલ અને કારતુસ સાથે નિર્દેશો મળ્યા હતા.

તેણે કહ્યું કે, હુમલો કર્યા બાદ મીરને આતંકવાદી તરીકે ભરતી કરવાનું વચન આપવામાં આવ્યું હતું. મીરે તેના મિત્ર શાકિર હમીદ ભટની મદદ લીધી હતી જેથી લક્ષ્યોને ઓળખી શકાય અને હુમલો કરવા માટે મોટરસાઇકલની વ્યવસ્થા કરી શકાય.

(10:47 pm IST)