Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

પશ્ચિમ બંગાળમાં ૫૪ કિ.મી.ની તોફાની ઝડપે પવન સાથે વરસાદ ખાબકયોઃ ૮ના મોત

૪-૪ ઇંચ ખાબકયો, અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી અનેક જીલ્લાઓમાં ભારે નુકશાન

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભારે પવન અને વરસાદને કારણે ૮ લોકોનાં મોત થઇ ગયા. રાજ્યના દક્ષિણ વિસ્તારોમાં  આંધી-તોફાનની સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા અને અનેક વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ૫૪ કિમીની ઝડપે પવન ફૂંકાતા ધૂળ અને આંધીથી કોલકાતા, હાવડા, ઉત્તર ૨૪ પરગણા, નદિયા, મુર્શિદાબાદ, બાંકુડા, પુર્વ વર્ધમાન, પશ્ચિમ મદનીપુર, બીરભૂમ અને પુરુલિયા જિલ્લામાં ભારે નુકસાન થયું છે.

 અધિકારીઓના જણાવ્યા મુજબ અલીપુરમાં ૧૦૨, દમદમમાં ૯૬ અને સોલ્ટલેકમાં ૧૧૬ મીમી વરસાદ નોંધાયો. કોલકાતાના ઘણા ભાગોમાં પાણી  ભરાઇ ગયા. જ્યારે મૃત્યુઆંક અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યું કે વરસાદને કારણે થયેલી ઘટનામાં વિવિધ જિલ્લા પૈકી વીરભૂમ, હાવડા, અને પુર્વ વર્ધમાનમાં ૨-૨ અને મુર્શિદાબાદ અને કોલકાતામાં ૧-૧ વ્યકિતનું મોત થયું.

  કોલકાતાના અનેક વિસ્તારોમાં પાણી ભરતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી. મધ્ય કોલકાતામાં સ્થિત રાજભવનના ઉત્તર દ્વાર પાસે ઓફિસેથી ઘરે જઈ રહેલા એક વ્યકિતનું વિજળીનો આંચકો લાગવાથી મોત નીપજ્યું હતુ. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે સર્જાયેલા અકસ્માતો તેમજ વિજળી પડવાના કારણે પણ લોકો મૃત્યુ પામ્યા હતા.

(3:46 pm IST)