Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

અમેરિકામાં એશિયનો વિરુદ્ધ ગુનાખોરી ૧૫૦ ટકા વધી : વર્ષ 2020માં ૨૮૦૦ ઘટનાઓ બની:સતત વધતી નફરત

કોરોના મહામારી દરમિયાન પણ વંશીય ભેદભાવ ઘટયો ન હતો.: અમેરિકાના ૧૬ મોટાં શહેરોને આવરીને એક અહેવાલ તૈયાર કરાયો

વૉશિંગ્ટન :અમેરિકાના મોટાભાગના શહેરોમાં એશિયનો સામે ગુનાખોરી ૧૫૦ ટકા વધી છે. એશિયનો નિશાન બન્યા હોય એવી અમેરિકામાં ૨૮૦૦ ઘટના ૨૦૨૦માં બની હતી. પોલીસ રેકોર્ડના આધારે કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ અહેવાલ રજૂ કર્યો હતો. કોરોના મહામારી દરમિયાન પણ વંશીય ભેદભાવ ઘટયો ન હતો.

અમેરિકાના ૧૬ મોટાં શહેરોને આવરીને એક અહેવાલ તૈયાર થયો હતો. એશિયનો પ્રત્યે નફરત રાખીને તેમને નિશાન બનાવાયા હોય એવી ઘટનાઓ એક વર્ષમાં ૧૫૦ ટકા વધી છે. અમેરિકાના ૪૭ રાજ્યોમાં એશિયનો સામે નાની-મોટી ૨૮૦૦ હિંસક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ હતી.
ન્યૂયોર્કમાં એક વર્ષ પહેલાં ૩ ઘટનાઓ બની હતી તેની સામે ૨૦૨૦માં એશિયનો સામે ૨૮ હિંસક ઘટનાઓ બની હતી. એ જ રીતે લોસ એન્જલસમાં ભેદભાવ પૂર્ણ બનાવો ૬થી વધીને ૧૫ થયા હતા. અમેરિકન નાગરિકો દ્વારા વિદેશી મૂળના નાગરિકોને નિશાન બનાવાયા હોય તેવી કુલ ઘટનાઓમાં પણ એક વર્ષમાં વધારો થયો હતો.
અહેવાલમાં આ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને કહેવાયું હતું કે જો આ ગુનાખોરી ઘટશે નહીં તો લાંબાંગાળે અમેરિકાના સામાજિક ઢાંચામાં મોટું ગાબડું પડશે. નાગરિકો વચ્ચે અસમાનતા વધશે. સૌહાર્દ ઘટશે, શાંતિ ઘટશે અને સતત નફરત વધશે. અમેરિકામાં એશિયન-અમેરિકન્સ અને પેસિફિક આઈસલેન્ડર્સ એટલે કે એએપીઆઈ તરીકે ઓળખાતા નાગરિકોની સંખ્યા ૨.૪૨ કરોડ હોવાનો અંદાજ છે.

(12:49 am IST)