Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

કોરોનાની સ્થિતિમાં સરકાર પાસે બે વિકલ્પઃ આઇપીએલની મેચોને સ્‍થગિત કરવી અથવા ટીવી દર્શકો સુધી સિમીત રાખવીઃ મહારાષ્‍ટ્રના સ્‍વાસ્‍થ્ય મંત્રી રાજેશ ટોપેનું નિવેદન

મુંબઈઃ દેશભરમાં કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 60 સુધી પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર પણ તેનાથી અછૂત નથી. કોરોનાના 10 પોઝિટિવ મામલા રાજ્યમાં સામે આવ્યા છે. મુંખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આ બીમારીના નવા મામલામાં આઠ પુણેથી અને બે મુંબઈથી છે. કોરોના વાયરસની આફત ઈન્ડિયન પ્રીમિયર લીગ પર પણ પડી શકે છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ કહ્યું કે, આ સ્થિતિમાં આઈપીએલને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લેવો પડી શકે છે.

ટોપેએ બુધવારે કહ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા સરકારની પાસે બે વિકલ્પ છે- આઈપીએલની મેચોને સ્થગિત કરવી કે પછી તેને ટીવી દર્શકો સુધી સીમિત રાખવી. એટલે કે મહારાષ્ટ્રમાં યોજાનારી મેચોમાં દર્શકોને મેદાનમાં જવાની મંજૂરી હશે નહીં. એટલે કે લોકો માત્ર ટીવી પર મેચ જોઈ શકશે.

ટોપેનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં હવે આ મામલાની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, સરકાર આઈપીએલ મેચોને સ્થગિત કરી શકે છે કે પછી તેને ટેલિવિઝનના દર્શકો સુધી સીમિત રાખી શકે છે.

રાજ્ય સરકારના સૂત્રોએ કહ્યું, 'એક વાત તો નક્કી છે કે ટિકિટોનું વેચાણ થશે નહીં.' આ સાથે તેમણે કહ્યું કે, આ વિશે જલદી અંતિમ નિર્ણય લેવામાં આવશે. ટોપેએ પત્રકારોને કહ્યું કે, રાજ્ય કેબિનેટે કોરોના વાયરસ અને આઈપીએલ મેચો પર ચર્ચા કરી છે. તેમણે કહ્યું, 'ચર્ચા બાદ અમારી સામે બે વિકલ્પ આવ્યા- મેચોને સ્થગિત કરવી કે ટિકિટોના વેચાણ વગર મેચોનું આયોજન કરવું.'

(4:46 pm IST)