Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

રાજયસભાની ચૂંટણી માટે શરદ પવારે નામાંકન ભર્યુ

મુંબઇ, તા.૧૨: એનસીપીના વડા શરદ પવારે રાજયસભાની ૨૬ માર્ચની ચૂંટણી માટે બુધવારે નામાંકન ભર્યું હતું.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પવારે અત્રેના વિધાનભવન કોમ્પ્લેકસમાં તેમનું નામાંકન ભર્યું હતું. તેમની સાથે રાજયના એનસીપીના નેતા હતા.

એનસીપીના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન ફૌજિયા ખાન પણ બુધવારે જ પવાર સાથે નામાંકન ભરવાના હતા, પરંતુ તેઓ હવે ગુરુવારે નામાંકન ભરશે.

નામાંકન ભરવાની છેલ્લી તારીખ ૧૩ માર્ચ છે.

પવાર ઉપરાંત કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે, કોંગ્રેસના હુસેન દલવાઇ, સેનાના રાજકુમાર ધુત, ભારપના અમર સાબલે, ભાજપનું સમર્થન ધરાવતા અપક્ષ ઉમેદવાર સંજય કાકડે અને એનસીપીના માજિદ મેમનની મુદત બીજી એપ્રિલના રોજ પૂરી થાય છે.

રાજયની શિવસેના કોંગ્રેસ અને એનસીપીની રાજય સરકાર આરામથી એક એક બેઠક જીતી લેશે કારણ કે એક સભ્યને ૩૭ મતની જરૂર હોય છે. શાસક યુતિના નેતાઓએ પોતાની વ્યૂહરચના નક્કી કરવા બુધવારે સાંજે બેઠક યોજી હતી.

(1:07 pm IST)