Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

ઐસા ભી હોતા હૈઃ હવે મ.પ્રદેશ ભાજપમાં કકળાટઃ શિવરાજ ફરી મુ.મંત્રી બને તો બળવાખોરો માથુ ઉચકશે

નવી દિલ્હી : મધ્યપ્રદેશ ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપામાં સામેલ થયા પછી કોંગ્રેસની કમલનાથ સરકાર પર સંકટના દબાણો ઘેરાઇ રહ્યા છે. સિંધિયાની સાથે તેમના નજીકના ધારાસભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે. એટલે ફરી એકવાર ભાજપા સરકાર બનાવવાની હોડમાં છે. પણ મુખ્યપ્રધાનની સંભવિત પસંદગી બાબત ભાજપાના રાજ્ય એકમમાં પણ નાટકીય વળાંક આવ્યો છે. હિન્દુસ્તાન ટાઇમ્સના એક રીપોર્ટ અનુસાર જો ભુતપૂર્વ મુખ્યપ્રધાન  શિવરાજસિંહ ચૌહાણને ફરીથી મુખ્યપ્રધાન બનાવાય તો  પક્ષના કેટલાક નેતાઓ બળવો કરી શકે છે.

કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોએ મંગળવારે સ્પીકર એન પી પ્રજાપતિને વિધાનસભામાં પોતાના રાજીનામા સોંપી દીધા હતા તેને ધ્યાનમાં રાખીને ભાજપાએ મંગળવારે એક મીંટીંગ બોલાવી હતી, જેમા અટકળો લગાવાઇ હતી કે જો કમલનાથ પોતાની સરકાર  બચાવવામાં નિષ્ફળ જાય તો એક નવા ધારાસભ્યને મુખ્યપ્રધાન તરીકે પસંદ કરાશે. ભાજપાના એક સીનીયર નેતાએ કહ્યુ કે ગોપાલ ભાર્ગવની જગ્યાએ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન  શિવરાજસિંહ ચૌહાણને  વિધાયક પક્ષના પ્રમુખ પસંદ કરવાની શકયતાના વિરોધ પછી વિધાયક દળની મીટીંગમાં અન્ય કોઇ મુદ્દાની  ચર્ચા  નહોતી કરાઇ.

ચૌહાણના વિરોધી એક અન્ય નેતાએ કહ્યુ કે એવી ભાવના છે કે બીજા નેતાઓને એક મોકો આપવો જોઇએ કેમ કે ચૌહાણ ૧૩ વર્ષ મુખ્યપ્રધાન રહ્યા હતા અને ૨૦૧૮માં હાર પછી તેમણે જવાબદાર ઠેરવવા જોઇએ. જો કે રાજ્યના મીડીયા પ્રભારી લોકેન્દ્ર પરાશરે કહ્યુ કે આવુ કંઇ નથી, આ બધી મીડીયાની અટકળો છે. મીટીંગનો એજન્ડા ફકત રાજ્યસભાની ચુંટણી હતો અન્ય કોઇ મુદ્દાની ચર્ચા નહોતી કરવામાં આવી.

(1:04 pm IST)