Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

કોરોના વાયરસઃ ભારત આવતા વિદેશીઓના વિઝા રદ, ભારતીયોને પણ વિદેશ ન જવા સૂચના

નવી દિલ્હી, તા.૧૨: ભારતમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના ૬૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશના ૧૧ રાજયોમાં કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેમાં કેરળમાં સૌથી વધુ કોરોના પીડિત દર્દીઓ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ કોરોના વાયરસને મહામારી જાહેર કર્યો છે. જેના પગલે ભારત આવતા વિદેશી યાત્રીઓના વિઝા ૧૫ એપ્રિલ સુધી કેન્સલ કરવામાં આવ્યા છે. આ સાથે જ ભારતીયોને પણ વિદેશ યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી છે.

ભારત તરફથી સુરક્ષાના ભાગરુપે ૧૫ એપ્રિલ સુધીના તમામ ટૂરિસ્ટ વિઝા સ્થગિત કરવામાં આવ્યા છે. આ અંગે આરોગ્ય મંત્રી હર્ષ વર્ધનને એક બેઠક યોજી હતી જયાર બાદ આ જાહેરાત કરવામાં આવી છે. વિઝા સ્થગિત કરવાનો નિયમ ૧૩ માર્ચ ૨૦૨૦ની બપોરે ૧૨ વાગ્યાથી અમલી થશે.

સરકાર તરફથી ભારતીય નાગરિકોને કડક સુચના પણ આપવામાં આવી છે કે તેઓ બિનજરૂરી વિદેશ યાત્રા ન કરે. ખાસ કરીને ચીન, જાપાન, કોરીયા, ઈરાન, ઈટલી જવાની ના કહેવામાં આવી છે. જો તેઓ કોઈ મુસાફરી કરશે તો ભારત પરત આવવા પર તેમને ૧૪ દિવસ અંડર ઓબઝરવેશન રાખવામાં આવશે.

(11:20 am IST)