Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

નોકરીના સ્થળે મહિલાની જાતીય સતામણી મહિલાના અધિકારોનો ભંગઃ સુપ્રીમ

મહિલાને બંધારણની કલમ ૨૧ હેઠળ સન્માનની સાથે જીવવાનો અધિકાર છે

નવી દિલ્હી, તા.૧૨: કાર્યસ્થળે જાતીય સતામણી કોઇ પણ મહિલાની નૈતિક અધિકારોનું ભંગ છે તેમ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના એક ચુકાદાને યોગ્ય ઠેરવતા આ ટિપ્પણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે પંજાબ અને સિંધ બેંકની મહિલા કર્મચારી ઇન્દોર શાખામાં સ્કેલ-૪ હેઠળ મેનેજરનું પદ સંભાળી રહ્યાં હતાં. તેમની જબલપુર જિલ્લાની સરસાવા શાખામાં બદલી કરવામાં આવી હતી.

મહિલા કર્મચારીએ આ બદલીને પડકારી હતી અને આરોપ મૂકયો હતો કે તેમની શાખામાં અનિયમિતતા અને ભ્રષ્ટાચાર અંગે તેમના અહેવાલ તથા એક વરિષ્ઠ અધિકારી વિરુદ્ઘ જાતીય સતામણીની ફરિયાદને પગલે બદલી કરવામાં આવી છે. હાઇકોર્ટે રિટ અરજીની મંજૂરી આપી હતી અને બદલીના આદેશને રદ કરી દીધો હતોે.

ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ અજય રસ્તોગીની ખંડપીઠે બદલીના આદેશની કાયદેસરતાની તપાસ કરીને આ ટિપ્પણી કરી હતી.

ખંડપીઠે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે નોકરીના સ્થળે મહિલાઓની જાતીય સતામણીને રોકવા માટે આ અધિનિયમની રચના કરવામાં આવી હતી. નોકરીના સ્થળે જાતીય સતામણી કલમ ૧૪ અને ૧૫ હેઠળ એક મહિલાના નૈતિક અધિકારોનું ભંગ છે.

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે મહિલાને બંધારણની કલમ ૨૧ હેઠળ સન્માનની સાથે જીવવાનો અધિકાર છે. આ સાથે જ મહિલાને કોઇ પણ વ્યવસાયનો અભ્યાસ કરવા અને તથા કોઇ પણ પ્રકારનો વેપાર કે વ્યવસાય કરવાનો અધિકાર છે.

ઇન્દોર શાખામાં તેમની ફરીથી નિમણૂક કરવા અને તથા તેમને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

(10:20 am IST)