Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

વેનેઝુએલા પાસેથી ભારતને ખનીજ તેલ નહિ ખરીદવા અમેરિકાની અપીલ

વેનેઝુએલા ભારતને ખનિજ તેલની નિકાસ કરનારો ત્રીજો સૌથી મોટો દેશ

ન્યૂયોર્કઃ આર્થિક કફોડી સ્થિતિમાંથી પસાર થઇ રહેલ વેનેઝુએલાની  નિકોલસ માદુરો સરકારને સત્તામાંથી દૂર કરવા અમેરિકા પ્રયાસો કરી રહ્યું છે અમેરિકા સંપૂર્ણપણે આર્થિક અને કુટનૈતિક અભિયન ચલાવે છે ત્યારે યુએસના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલે સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે ભારતને અપીલ કરી કે તે વેનેઝુએલા પાસેથી ખનીજ તેલ ન ખરીદે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેનેઝુએલા ભારતને ખનિજ તેલની નિકાસ કરનારો ત્રીજો સૌથી મોટો દેશ છે. 

   બંને દેશના વિદેશ સચિવોની મુલાકાત બાદ પોમ્પિયોએ જણાવ્યું કે, "મને વિશ્વાસ છે કે, તેઓ પણ વેનેઝુએલાના લોકોના વાસ્તવિક જોખમ વિશે જાણે છે. અમે ભારતને પણ કહ્યું છે કે, તે માદુરો શાસનની આર્થિક જીવનરેખા ન બને.

  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર અને તેના સહયોગીઓએ વેનેઝુએલાના વિરોધ પક્ષના નેતા અને નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ ગુઆઈદોને દેશના રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપી દીધી છે અને માદુરોને પદ છોડવા કહ્યું છે. 

     ભારત વેનેઝુએલા પાસેથી ખનિજ તેલ ખરીદનારો પ્રમુખ આયાતકાર દેશ છે અને તેના માટે તે રોકડામાં ચૂકવણી કરે છે. 2017-18માં ભારતે વેનેઝુએલા પાસેથી 1.15 કરોડ ટન ખનિજ તેલની આયાત કરી હતી

    અત્રે ઉલ્લેખનીય છે કે, વેનેઝુએલામાં અત્યારે મોટું આર્થિક સંકટ ચાલી રહ્યું છે. અહીં એક બ્રેડની કિંમત હજારો રૂપિયા છે. એક કિલો મીટની કિંમત રૂ.3 લાખ તો એક લીટર દૂધ માટે રૂ.80 હજાર ચૂકવવા પડે છે. અહીં મોંઘવારી 10 લાખ ટકાના આંકડાને પાર કરી ગઈ છે.  

(10:56 pm IST)