Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

પવિત્ર ગંગા નદીમાં ભળતી ૬૬ શહેરોની ગંદકી : પાણી ઝેરી

ગંગા માતાને મેલી કરનારા તત્વો પર મોદી સરકારની સર્જિકલ સ્ટ્રાઈક કયારે ? : ર૦૧૪ થી જૂન ર૦૧૮ સુધીમાં ગંગાની સફાઈ માટે રૂ.૩૮૬૭ કરોડનો ખર્ચ છતાં પરિણામ શૂન્ય : મા ગંગાને બુલાયા હૈ... : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી 'નમામિ ગંગે' યોજનામાં અમલદારોએ દાટ વાળ્યો

રાજકોટ તા. ૧૨ : ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ ગંગા માત્ર નદી જ નથી તેનું માતા તરીકે પૂજન કરાય છે. પરંતુ આ નદીની હાલત ગંદા નાળા સમાન બની રહી છે. ગંગા નદી વિના ભારતની શું હાલત હોય તેની કલ્પના પણ કરી શકાતી નથી. ભારતનું અસ્તિત્વ ગંગા પર નિર્ભર છે તે વહે છે તો દેશ ટકી રહયો છે. ગંગા જો વહેવાનું બંધ કરી દે અને સૂકાઈ જાય તો ભારત પાયમાલ થઈ જાય. દેશની સુખ સમૃઘ્ધી ગંગા પર આધારીત છ ે છતાં તેની જાળવણી કરાઈ રહી નથી. ગંગાની સફાઈ માટે યોજનાઓ અને દાવા અનેક થયા છે સરકારો આવી અને ગઈ પરંતુ અપેક્ષિત કામગીરી થઈ નથી. કરોડો લોકોની આસ્થાના પ્રતિક એવી ગંગા નદીની હાલત એવી છે કે ગામે ગામની ગટર ગંદકી તેમાં ઠલવાઈ રહી છે.

ગંગા જળને પવિત્ર માનવામાં આવે છે. અનેક પૌરાણિક કથાઓ ગંગા સાથે જોડાયેલી હોવાથી તેનું ધાર્મિક મહત્વ છે. હિન્દુઓનું એક પણ ઘર એવું નહીં હોય જયાં ગંગાજળ ન હોય. આ નદી કરોડો લોકોની જીવન રેખા સાથે જોડાયેલી છે. ઉતરાખંડમાં પશ્ચિમ હિમાલયમાંથી નિકળતી ગંગા રપરપ કિમી લાંબી છે. ઉતરાખંડથી વહેા તે છેક પ.બંગાળ સુધી પહોંચે છે. પ.બંગાળમાં આ નદી બે ભાગમાં વહેંચાઈ જાય છે અને એક ભાગ બંગાળની ખાડીમાં પહોંચે છે અને બીજો ભાગ બાંગ્લાદેશ થઈ બંગાળની ખાડીમાં જ સમુદ્રમાં વિલીન થાય છે.

પવિત્ર નદીની ચિંતા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમામિ ગંગે પરિયોજના શરૂ કરી છે પરંતુ સાડા ચાર વર્ષમાં અમલદારોએ ગંગાની ગંદકી દૂર કરવા કોઈ ઠોસ કામગીરી કરી ન હોવાથી હાલત એવી છે જેવી પહેલા હતી. ગંગા નદીની આસપાસ અનેક શહેરો વસેલા છે જેના દવારા ગંદકી નદીમાં ઠલવાઈ રહી છે. જે જે સરકારો આવી તેમણે પોતપોતાની રીતે ગંગા ની સફાઈ માટે યોજનાઓ ઘડી પરંતુ અમલમાં અમલદારો ઉણા ઉતરતાં પરિણામ મળી શકયું નથી. ગંગાને સાફ કરવાની સૌ પ્રથમ યોજના રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે શરૂ કરવામાં આવી હતી. ૧૯૮૪માં રાજીવ ગાંધીએ ગંગાના પાણીને સ્વચ્છ બનાવવા એકશન પ્લાન જાહેર કર્યો હતો. અત્યાર સુધીમાં વિવિધ સરકારોએ ગંગાની સફાઈને નામે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે છતાં આ નદી સાફ થઈ શકી નથી. કરોડો રૂપિયા જરૂર સાફ થયા છે.

વર્ષ ર૦૧૪માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારે નમામિ ગંગે યોજના શરૂ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી પહેલા તેઓ ચૂંટણી સભાને સંબોધિત કરવા વારાણસી ગયા ત્યારે તેમણે કહયું હતુ કે મા ગંગાએ તેમને બોલાવ્યા છે. બાદમાં મોદી સરકાર બની તો આશા હતી કે ગંગાની સફાઈ માટે હવે ગંભીર રીતે કામગીરી થશે પરંતુ આજે સાડા ચાર વર્ષ બાદ આ યોજનામાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. અધિકારીઓએ આ યોજનામાં ગંભીરતા દાખવી નથી. કેન્દ્ર સરકાર હવે ગંગાને મેલી કરનારા તથા યોજનાઓમાં ભ્રષ્ટાચાર આચરનારાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરે તે જરૂરી બન્યું છે.

સરકારી મૂલ્યાંકનમાં ગંગા નદીની વર્તમાન હાલત અંગે ચિંતા વ્યકત કરવામાં આવી છે. રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે ૬૬ શહેરની ગટર, નાળા ગંગા નદીમાં સીધા ભળે છે. સતત ભળતી ગંદકીને કારણે ગંગા નદીનું પાણી પ્રદૂષિત બન્યું છે. આ ગંદકીને ગંગામાં ભળતી રોકી શકાય તેવી કોઈ વ્યવસ્થા નથી. ગંદકી સાથે અનેક પ્રકારનો કચરો ગંગામાં વહે છે. દિલ્હીમાં સરકારો બદલાઈ પરંતુ પવિત્ર નદીની હાલત જેમની તેમ છે.

ગંગા નદી ઉતરાખંડ, ઉતરપ્રદેશ, બિહાર,ઝારખંડ અને પ.બંગાળમાંથી પસાર થાય છે. બંગાળના ૪૦ જેટલા નાના મોટા શહેરો ગંગા કિનારે વસેલા છે. યુપીના ર૧, બિહારના ૧૮, ઝારખંડના બે શહેર ગંગા કિનારે આવેલા છે. ગંગા નદીના કિનારે વસેલા અનેક શહેરોમાંથી માત્ર ૧૯ શહેરોમાં જ મહાપાલિકા દવારા વેસ્ટ મેનેજમેન્ટની વ્યવસ્થા છે બાકીના શહેરોનો તમામ પ્રકારનો કચરો સીધો ગંગામાં ઠલવાય છે. સર્વેમાં સામે આવ્યું કે ૭ર શહેરોનો કચરો ગંગા નદીના કિનારે ફેંકવામાં આવે છે. બંગાળના ૪૦ અને બિહારના ૧૮, યુપીના ર૧ અને ઉતરાખંડના ૧૬ નાળા ગંગા નદીમાં ભળે છે.

આરટીઆઈ દવારા સામે આવેલી માહિતી અનુસાર ર૦૧૪ થી જૂન ર૦૧૮ સુધીમાં ગંગા નદીની સફાઈ માટે રૂ.પપર૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા જેમાંથી રૂ.૩૮૬૭ કરોડનો ખર્ચ કરાઈ ચૂકયો છે છતાં ગંગા નદી સાફ થવાને બદલે તેમાં ગંદકી વધી રહી છે. ગંગાના પાણી અંગે કરાયેલા સંશોધન અનુસાર તેમાં ઝેરી તત્વોનું પ્રમાણ રહેલું છે. જંતુનાષકો, કીટનાશકો પણ મળ્યા છે. આ તત્વોને કારણે કેન્સર થઈ શકે છે. ગંગા નદીમાં રહેલી માછલીઓ માં પ્રદૂષણ પહોંચ્યુ છે અને આ માછલીઓનું સેવન લાખો લોકો કરે છે.

(3:31 pm IST)