Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

વડાપ્રધાનની ભલામણ છતાં કાનપુરના કારીગર સંદીપ સોનીને લોન આપવામાં બેન્કના ઠાગાઠૈયા :ફરીવાર માંગી શ્રી મોદીની મદદ

કારીગરે ભગવદ ગીતાના 18 અધ્યાય અને 706 શ્લોકોને લાકડાના ઢાંચા પર કોતર્યા હતા : વડાપ્રધાન મોદીને ભેટ આપતા વડાપ્રધાને વ્યવસાય શરુ કરવા સલાહ આપી પરંતુ બેન્કએ માંગેલી રકમ આપી નહીં

કાનપુર : દેશમાં બેન્ક કૌભાન્ડની જાણે મોસમ ખીલી હોય તેમ નિતનવા કૌભાંડો બહાર આવી રહ્યાં છે લોકો મજાકમાં એવું પણ કહી રહ્યાં છે કે બે રૂપિયાની બોલપેન દોરીથી બાંધતી બેંકો કરોડો રૂપિયાની (ડિફોલ્ટરોને) લોન કેવી રીતે આપતી હશે ત્યારે હવે મણના મણ ઉડ્યા પછી પુણીના ભાવ પૂછતાં હોય તેવો કિસ્સો બહાર આવ્યો છે પ્રધાનમંત્રી રોજગાર યોજનામાં બેંક અધિકારીઓની માનમાનીનું વરવું રૂપ જોવા મળ્યું છે. ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં બેંક ઓફ બરોડાના કેટલાક અધિકારીઓ દ્વારા એક યુવકને સરકારી યોજના અંતર્ગત મળનારી લોનની રકમ આપવાનો ઇનકાર કરી દેવાયો હતો બેંકે જે યુવકની લોન અરજી ફગાવી દીધી હતી, તેની ભલામણ ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી દ્વારા કરવામાં આવી હતી.
  આ અંગેની વિગત મુજબ કાનપુરમાં લાકડાની કારીગરી માટે જાણીતા સંદીપ સોની નામના કારીગરે ગત દિવસોમાં ભગવદ ગીતાના 18 અધ્યાય અને 706 શ્લોકોને લાકડાના ઢાંચા પર કોતર્યા હતા. ત્યાર બાદ તેણે તેની વડાપ્રધાનને ભેટ આપી હતી. સંદીપની આ વિલક્ષણ કૃતિથી પ્રભાવિત વડાપ્રધાને તેને પોતાનો વ્યવસાય શરૂ કરવાની સલાહ આપી હતી અને તે માટે હરસંભવ મદદની વાત કરી હતી.
   વડાપ્રધાન મોદીએ તે માટે પીએમઓના અધિકારીઓના માધ્યમથી સંદીપને પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત લોન આપવાની ભલામણ કરી હતી. ત્યાર બાદ તેને પ્રોસેસ માટે બેંક ઓફ બરોડાને મોકલવામાં આવી હતી.
  આ અરજી બાદ સંદીપે એક વર્ષ સુધી લોન માટે ધક્કા ખાવા પડ્યા, પણ બેંકે તેને લોન માટે માગેલી રકમ ન આપી શકી. સંદીપ કહે છે કે, ‘મેં બેંક પાસે 25 લાખની લોન માગી હતી, પરંતુ અધિકારીઓએ મને માત્ર 10 લાખ રૂપિયાની જ લોન આપી. મેં જે યોજના અંતર્ગત લોન માગી હતી, તે માટે મારે 25 લાખ રૂપિયાની જરૂર હતી, પરંતુ બેંકની દસ્તાવેજી પ્રક્રિયાના  ચક્કરમાં આ બધું અટકી પડ્યું.’
  બેંકના અધિકારીઓથી પરેશાન થયા બાદ હવે સંદીપ સોનીએ ફરી એક વાર વડાપ્રધાનની મદદ માગી છે. વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં સંદીપે બેંક પાસેથી લોન અપાવવા માટે અપીલ કરી છે. જોકે હજી સુધી બેંક અધિકારીઓ તરફથી સંદીપના આરોપો પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

(12:00 am IST)