Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વાયુ પ્રદુષણનું મોનીટરીંગ કરશે મોબાઈલ વાન : દિલ્હીમાં સૌથી પહેલા થશે ઉપયોગ

આઇઆઇટી કાનપુરમાં ડેવલપ કરવામાં આવેલી મોબાઈલવાન દ્વારા પ્રદૂષણના સાચા કારણોની ઓળખ કરાશે

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં ઠંડીના કારણે વાયુ પ્રદૂષણ ચરમસીમાએ પહોંચી ગયુ છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું છે પરંતુ હવે આઇઆઇટી કાનપુરમાં ડેવલપ કરવામાં આવેલી મોબાઈલવાનના માધ્યમથી દેશભરમાં વધી રહેલા પ્રદૂષણના સાચા કારણોની ઓળખ કરવામાં આવશે. જેનાથી સરકાર તે કારણોને રોકીને પ્રદૂષણનું સ્તર ઘટાડી શકશે.

આ મોબાઈલવાનનો ઉપયોગ કરવા માટે ખૂબ જ ઝડપથી દિલ્હી સરકાર મંજૂરી આપશે. મોબાઇલમાં વાયુ પ્રદુષણના તમામ મુખ્ય કારણોની ઓળખ કરવા માટેના જુદા જુદા ઉપકરણ લગાવવામાં આવ્યા છે. તેનાથી જે જગ્યા પર પીએમ 2.5 પીએમ 10 સહિત અન્ય ધુળના રજકણો, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઈડ, હાનિકારક ગેસ અને તેલિય કણોની સાચી માત્રાની જાણકારી મળી શકશે.

આ મોબાઇલવાન વાયુ પ્રદૂષણના સાચા કારણોની ઓળખ કરવામાં તો ઉપયોગી છે જ સાથે તેનું વિશ્લેષણ વિશ્લેષણ કરીને વિશેષજ્ઞ એ વાત પણ જણાવી શકશે કે વાયુ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત ક્યો છે. જેની સાચી જાણકારી મળ્યા બાદ સરકાર તે સ્ત્રોતને બંધ કરવા માટે કાર્યવાહી કરશે.

આ બાબતે એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટયૂટના નિર્દેશક ડોક્ટર સુમિત શર્માએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ મોબાઈલવાનમાં મેટલ એનેલાઇઝર, કાર્બન એનેલાઇઝર અને આયન એનેલાઇઝર લગાવવામાં આવ્યા છે. જે પ્રદૂષણનું સાચું સ્તર જાણી અને તેના કારણો વિશેની માહિતી આપશે. આ ઉપરાંત પોલી એરોમેટિક હાઇડ્રોકાર્બનની ઓળખ પણ કરવામાં આવશે. જેનું વિશ્લેષણ કરીને એક એર ક્વોલિટી મોડેલ બનાવવામાં આવશે. ઉપરાંત જે તે સ્થાન ઉપર તે સ્થળનું વાયુ પ્રદૂષણ પાછળનું સાચું કારણ શું છે તે જાણવામાં સફળતા મળશે. જેથી તે સાચા કારણ ઉપર લગામ કસીને વાયુ પ્રદૂષણ નિયંત્રિત કરી શકાય.

(8:25 pm IST)