Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સારવાર અર્થે ઘૂસેલા શખ્સોએ ડોક્ટરના ઘરમાં લૂંટ ચલાવી

ઉત્તર પ્રદેશના મુરાદાબાદના મેનાઠેરની ઘટના : સમગ્ર પરિવારને બદમાશો ગન પોઈન્ટ પર બંધક બનાવીને ૧૮ લાખની લૂંટ ચલાવી પલાયન, તપાસનો ધમધમાટ

મુરાદાબાદ, તા. ૧૨ : ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના મેનાઠેર પોલીસ સ્ટેશનની નજીક બદમાશોએ ડોક્ટરના ઘરમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. બદમાશો દર્દીના રૂપમાં સારવાર લેવા માટે ડોક્ટરના ઘરે પહોંચ્યા હતા. સારવારના બહાને ઘરમાં ઘૂસી આખા પરિવારને બંધક બનાવી ૧૮ લાખની લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ થતાં એસએસપી મુરાદાબાદ ભારે પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા પરિવારને ઘટના અંગેની માહિતીની સાથે વહેલી તકે ઘટનાનો ખુલાસો કરવા જણાવ્યું હતું.

મુરાદાબાદ જિલ્લાના મેનાઠેર પોલીસ સ્ટેશન વિસ્તારથી થોડા અંતરે બદમાશોએ ડોક્ટરના આખા પરિવારને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી. ઘટના વિશે માહિતી આપતાં ડોક્ટરે જણાવ્યું હતું કે, બદમાશો દર્દીઓ બનીને ઘરમાં ઘૂસી ગયા હતા અને સમગ્ર પરિવારને ગનપોઇન્ટ પર લઈ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ડોક્ટરે જણાવ્યું કે, ઘરમાં રૂ.૪૨૦૦૦ની રોકડ રકમ અને ઘરમાં રાખેલું ૪૫ તોલા સોનું લૂંટીને ફરાર થઈ ગયા.

લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બાદમાં પીડિતાના પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પરિવારજનો પાસેથી ઘટના અંગેની તમામ માહિતી મેળવીને આગળની તપાસ હાથ ધરી છે. ઘટના અંગે એસપી દેહાત વિદ્યાસાગર મિશ્રાએ જણાવ્યું હતું કે મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને ઘટનાનો વહેલી તકે ખુલાસો કરવામાં આવશે.

(7:35 pm IST)