Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

તમિલનાડુમાં મોટી દુર્ઘટના : ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ : 11 લોકો ભડથું : પીએમ મોદીએ કર્યો શોક વ્યક્ત

ફટાકડાની ફેક્ટરી માંથી અંદરથી વારંવાર વિસ્ફોટ : તામિલનાડુના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને ત્રણ ત્રણ લાખ રૂપિયા મદદની જાહેરાત કરી

તામિલનાડુના વિરુધુનગરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 11 લોકો બળીને ખાખ થઈ ગયા છે. જેમાં એક મહિલા સામેલ છે. એ ઉપરાંત ચાર લોકોને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જે ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની છ થી વધારે ગાડી આગ ઉપર કાબુ મેળવવાની કોશિશ કરી રહી છે.પરંતુ ફટાકડાની ફેક્ટરી માંથી અંદરથી વારંવાર વિસ્ફોટ થઇ રહ્યા છે. ઘટના બન્યા બાદ તરત જ તામિલનાડુના સીએમ ઈ કે પલાનીસ્વામીએ મૃતકોના પરિવારને ત્રણ ત્રણ લાખ રૂપિયા મદદની જાહેરાત કરી હતી. સાથે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રાજ્ય સરકાર દ્વારા એક લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે એવી પણ જાહેરાત કરી છે.

આ દુર્ઘટના બાબતે વડાપ્રધાન મોદીએ સોશિયલ સાઈટ ટ્વિટર પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે, તમિલનાડુના વિરુધુનગર સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના ખૂબ દુ:ખદ છે. આ દુઃખની ઘડીમાં મારી મૃતકના પરિવાર સાથે સાંતવ્ના છે. આશા રાખું છું કે જે લોકો ગંભીર રીતે ઘાયલ છે, તે ઝડપથી ઠીક થઈ જાય. સ્વસ્થ થઈ જાય. આ ઘટનાથી પ્રભાવિત થયેલા લોકોની મદદ માટે પ્રશાસન કામ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી રાહત કોષ માંથી બે લાખ રૂપિયા મૃતકના પરિવારને અને ગંભીર રીતે ઘાયલ થનારને 50000 રૂપિયાની સહાય આપવામાં આવશે એમ પીએમઓ ઇન્ડિયાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ઉપરથી જાહેર કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ બાબત ઉપર શોક વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે, તમિલનાડુના વિરુધુનગર્માં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના અત્યંત દુ:ખદ છે. તેમા મૃત્યુ પામેલ અને ઘાયલ થયેલ લોકોના પરિવાર સાથે મારી સંવેદના છે. જે લોકો ફેક્ટરીમાં ફસાયેલા છે તેના વિશે વિચારીને પણ ક્મકમાટી છૂટી જાય છે. હું રાજ્ય સરકારો અને અપીલ કરું છું કે, તેઓ તાત્કાલિક પિડિતોને સહાયતા અને રાહત પ્રદાન કરવાનું કાર્ય કરે.

(6:25 pm IST)