Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

દિલ્‍હીમાં મંગોલપુરીમાં જયશ્રી રામના નારા લગાવવા બદલ બજરંગ દળના કાર્યકર રિંકુ શર્માની હિચકારી હત્‍યાથી ભારે આક્રોશઃ મોબલિચિંગ અને સેક્‍યુલરિઝમ ઉપર લેક્‍ચર આપનારા ચુપ કેમ ?

નવી દિલ્હી: દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં જય શ્રીરામના નારા લગાવવા બદલ બજરંગ દળના કાર્યકર રિંકુ શર્માની હિચકારી હત્યા કરી દેવામાં આવી. જેને લઈને સોશિયલ મીડિયામાં ગુસ્સો ફાટી પડ્યો છે. લોકોનું કહેવું છે કે મોબ લિંચિંગ અને દેશમાં સેક્યુલરિઝમ પર લેક્ચર આપનારા લોકો હવે કેમ ચૂપ છે?

ભાજપના નેતા કપિલ મિશ્રાએ કરી ટ્વીટ

ભાજપના નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે રામ મંદિર માટે નિધિ સમર્પણ સાથે જોડાયેલા રિંકુ શર્માજીની હત્યા દિલ્હીમાં આવો પહેલો અપરાધ નથી. અંકિત સક્સેના, ધ્રુવ ત્યાગી, ડો.નારંગ, રાહુલ, અંકિત શર્મા બધાને આ જ રીતે મારવામાં આવ્યા હતા. આખરે કેમ? આખરે ક્યાં સુધી?

લેખક આનંદ રંગનાથને જતાવ્યું દુ:ખ

લેખક આનંદ રંગનાથને ટ્વીટ કરીને કહ્યું કે ખેડૂત આંદોલનમાં સ્ટંટ કરતી વખતે માર્યા ગયેલા નવરીત સિંહના મોત પર લોકોએ પોલીસની જગ્યાએ તેના પેરેન્ટ્સના આરોપો પર ભરોસો કર્યો. હવે એ જ લોકો રિંકુ શર્માની હત્યા મામલે તેમના પેરેન્ટ્સની જગ્યાએ પોલીસના નિવેદન પર ભરોસો કરી રહ્યા છે. તે સમયે પોલીસ કમ્યુનલ હતી અને હવે સેક્યુલર થઈ ગઈ છે.

સંબિત પાત્રાએ જતાવ્યો શોક

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વીટ કરીને કહ્યું કે રિંકુ શર્મા, જય શ્રીરામ.

બુધવારે મોડી રાતે થઈ હતી હત્યા

અત્રે જણાવવાનું કે બુધવારે મોડી રાતે દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં 24 વર્ષના રિંકુ શર્માની વિસ્તારના બદમાશોએ ચાકૂ ઝીંકીને હત્યા કરી નાખી હતી. દિલ્હી પોલીસે આ મામલે ચાર લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ ઝાહિદ, મહેતાબ, દાનિશ અને ઈસ્લામ તરીકે થઈ છે. પોલીસનો દાવો છે કે રિંકુ શર્મા ખાનગી હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન હતો. ઘરની પાસે જ રિંકુ તેના મિત્રની જન્મદિવસની પાર્ટીમાં ગયો હતો અને ત્યાં તેનો ઝગડો થયો તથા તેની ચાકૂ મારીને હત્યા કરી દેવાઈ.

શ્રીરામ પર રેલી કાઢવાથી થઈ હતી અણબન

આ બાજુ પરિવારનું કહેવું છે કે રિંકુની હત્યા એટલે થઈ કારણ કે તે વિસ્તારમાં જય શ્રીરામના નારા લગાવતો હતો. પરિવારના જણાવ્યાં મુજબ રિંકુ શર્માએ 5 ઓગસ્ટના 2020ના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ શરૂ થવા પર વિસ્તારમાં શ્રી રામ રેલી કાઢી હતી. ત્યારે પણ આરોપી પક્ષના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદથી જ આરોપીઓએ રિંકુ શર્માને ટાર્ગેટ પર લીધો હતો.

બજરંગ દળ સાથે જોડાયેલો હતો રિંકુ શર્મા

મૃતક રિંકુ શર્માના ભાઈ મનુ શર્માએ ઝી ન્યૂઝને જણાવ્યું હતું કે તે બજરંગ દળ સાથે જોડાયેલો છે અને મંગોલપુરના હનુમાન ચાલીસાન પ્રમુખ છે. 5 ઓગસ્ટના રોજ શ્રી રામ મંદિર બનવાના ઉપલક્ષ્યમાં અમે વિસ્તારમાં શ્રીરામ રેલી કાઢી હતી. ત્યારે  પણ અમારી સાથે આરોપીઓએ વિવાદ કર્યો હતો. તે વખતે પણ તેમણે અમને ધમકી આપી હતી. ત્યારબાદ તક મળતા જ તેમણે બુધવારે ભાઈને મારી નાખ્યો.

30-40 લોકોએ ઘરમાંથી ખેંચીને કરી હત્યા

મૃતક રિંકુ શર્માની માતા રાધા શર્માએ  જણાવ્યું કે ગુરુવારે 30-40 લોકો આવ્યા, લાકડી, ડંડા અને ચાકૂ સાથે લાવ્યા હતા. મારા પુત્રને ખુબ માર્યો. જ્યારે તેને ચાકૂ મારવામાં આવ્યા ત્યારે પણ તે જય શ્રીરામ બોલતો હતો. મૃતક રિંકુ શર્માના પિતા અજય શર્માએ ઝી ન્યૂઝને જણાવ્યું કે મારો પુત્ર જન્મદિવસની પાર્ટીમાંથી પાછો ફર્યો. ત્યારે પાછળથી હુમલાખોરો આવ્યા અને હુમલો કર્યો. મારો પુત્ર બજરંગ દળ સાથે જોડાયેલો છે આથી વારંવાર ધમકી આપતા હતા. બોલતા હતા કે છોડીશું નહી. મારા પુત્રને ચાકૂ મારી દીધુ. મારા નાના પુત્રને પણ માર્યો છે અને મને કહીને ગયા કે અમે તારા પુત્રને મારી નાખ્યો.

(5:06 pm IST)