Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સલમાન ખાનને કોર્ટમાંથી મોટી રાહત

૧૮ વર્ષ પહેલા કાળિયાર કેસમાં કોર્ટને ખોટી એફિડેવિટ આપ્યાની અરજી મામલે

જોધપુર તા. ૧૨:  કાળિયાર શિકાર કેસમાં ફસાયેલા સલમાન ખાન સામે વધુ એક નવી સમસ્યા સામે આવી હતી. તાજેતરમાં જોધપુર અદાલત સામે તેણે ખોટી એફિડેવિટ ફાઇલ કરવાના કેસમાં હાજર થવું પડયું હતું. તે વીડિયો કોન્ફરન્સિંગની મદદથી કોર્ટ સામે હાજર રહ્યો હતો. કોર્ટની કામગીરી દરમિયાન સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે જણાવ્યું હતું કે, આ કેસમાં ૨૦૦૩માં ભૂલથી ખોટી એફિડેવિટ ફાઈલ કરી દેવાઈ હતી. આ મુદ્દે સલમાન ખાન માફી માગી રહ્યો છે.  કોર્ટે તેને માફી આપી દેવી જોઈએ. જો કે કોર્ટે આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. હવે આ કેસમાં સુનાવણી ગઇકાલે ૧૧મીએ થઇ હતી. જેમાં જોધપુર કોર્ટએ રાજ્ય સરકારની અરજી રદ કરી હતી. આરોપ મુકાયો હતો કે કાળિયાર શિકાર કેસમાં કોર્ટે હથિયારનું લાઈસન્સ માગ્યું ત્યારે સલમાને લાઈસન્સ ખોવાઈ ગયાનું કહીને ખોટી એફિડેવિટ જમા કરાવી હતી. જો કે જુન ૨૦૧૯માં નીચલી અદાલતે ખોટી એફિડેવિટના આરોપોમાંથી સલમાનને મુકત કર્યો હતો.

આ સામે રાજસ્થાન સરકારે જોધપુર કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સલમાનના વકિલ હસ્તીમલ સારસ્વતે કહ્યું હતું કે અમે ૨૦૦૬માં જ જવાબ આપી દીધો હતો કે કોઇ ખોટી એફિડેવિટ રજૂ કરવામાં આવી નથી. આવી દલીલો સલમાન ખાનને માત્ર હેરાન કરવા માટે જ કરવામાં આવી રહી છે.

(3:09 pm IST)