Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રામના નામે ર૮ દિ'માં ભેગા થયા ૧૦૦૦ કરોડ

મંદિર નિર્માણ માટે ચેકથી મળેલા દાનની ગણત્રી બાકી કૂપન ખલાસ દાનનો પ્રવાહ સતત ચાલુ

લખનૌ, તા. ૧ર :  અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે દાન મળવાનું સતત ચાલુ છે. સમર્પણ નિધિ અભિયાનના ર૮ દિવસ પુરા થઇ ચુકયા છે. અત્યાર સુધીમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનું દાન આવી ચુકયું છે. અને ચેક દ્વારા મળેલ દાનની ગણત્રી થવાની હજુ બાકી છે. રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાયે જણાવ્યું કે દેશભરમાં દોઢ લાખથી વધારે ગ્રૃપ ધનસંગ્રહ અભિયાનમાં લાગેલી છે.

રામના કામ માટે લોકો દિલ ખોલીને દાન આપી રહ્યા છે. જે કે ગ્રુપના જે કે સીમેન્ટે એક કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે, તો રાયબરેલીના કોંગ્રેસી ધારાસભ્ય અદિતિસિંહે પ૧ લાખનો ચેક આપ્યો છે. કર્ણાટકમાં ક્રિશ્ચીયન સમાજના સભ્યોએ એક કરોડ રૂપિયાથી પણ વધારેનું દાન આપ્યું છે. ફૈઝાબાદ મુસ્લીમ રાષ્ટ્રીય મંચના સભ્યોએ પણ પ૧૦૦ રૂપિયાનું દાન આપ્યું છે. કાનપુરમાં મંદિર નિર્માણ માટે કેટલાય સમયથી રામનામનો જાપ કરવાની સુચન મિશ્રાએ પણ ૧.પ૧ લાખ રૂપિયા આપ્યા છે.

ભગવાન શ્રી રામમાં આસ્થા અને લોકોની દાન કરવાની ઇચ્છાનો અંદાજ એ વાત પરથી આવે છેકે ઘણા રાજયોમાં કૂપનો ખલાસ થવા લાગ્યા છે. ૧૦,૧૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ૧૩ કરોડથી વધારે કૂપનો રામજન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા છાપવામાં આવ્યા હતા. હવે ઘણાં રાજયોમાં કૂપનો ખલાસ થવા આવ્યા હોવાથી ટ્રસ્ટ નવેસરથી કૂપનો છપાવી રહ્યું છે.

(1:18 pm IST)