Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ચંદ્ર પર યુધ્ધ અભ્યાસનું થાણું બનાવવા અમેરીકી સેના તલપાપડ

એનઓએમ ૪-ડી મોડલ પણ બનાવી નાખ્યુ : અંતરીક્ષમાંથી દુશ્મનો પર નજર રાખશે : ૨૦૩૦ સુધીનો લક્ષ્યાંક

વોશિંગ્ટન તા. ૧૨ : દુનિયાના બધા દેશો ચંદ્ર પર પોતાનું સ્થાન બનાવવા મહનતમાં પડી ગયા છે. ત્યારે પૃથ્વી પરની શકિતશાળી ગણાતી અમેરીકી સેનાએ પણ પોતાનું લશ્કરી થાણું ચંદ્ર પર સ્થાપવાની તૈયારીઓ આદરી છે અને આ માટેનું એનઓએમ૪-ડી મોડલ પણ બનાવી નાખ્યુ છે.

અમેરીકાના ડીફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેકટસ એજન્સીએ આ માટે નવો પ્રોજેકટ બનાવ્યો છે. ચંદ્ર પર સેનાની તાકાત બતાવવા ખાનગી અંતરીક્ષ કંપનીઓ પાસે ઢાંચો તૈયાર કરાવવામાં આવશે.

ડીએઆરપીએએ આ માટે નોવેલ આર્બીટલ એંડ મૂન મેન્યુફેકચરીંગ મટીરીયલ એંડ માસ એફીસીએન્ટ ડીઝાઇન (એનઓએમ ૪ ડી) તૈયાર કરેલ છે. જેના દ્વારા ચંદ્ર પર સેનાની ફેકટરી અને અન્ય ભવન સંરચનાનું નિર્માણ થશે.

ડીએઆરપીએ ડીફેન્સ સાયન્સ ઓફીસના પ્રોગ્રામ મેનેજર બીલ કાર્ટરનું કહેવુ છે કે આ એનઓએમ ૪ ડી મોડલના માધ્યમથી ચંદ્ર પર માળખુ તૈયાર કરવાનું આ લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં સાકાર કરી લેવાશે. એ સાથે જ ચંદ્ર પર આધુનિક રોકેટને ક્રિયાશીલ કરાશે. અમેરીકી સેના ચંદ્ર પર સેના બેઝ કેમ્પ બનાવશે. જે માટે અમેરીકી એજન્સી નાસા સાથે પહેલેથી જ કામ કરી રહી છે.

ચંદ્ર પર લશ્કરી થાણું સ્થાપવુ પડકરાજનક છે. કેમ કે પૃથ્વીની જગ્યાએ ચંદ્ર પર લશ્કર માટે આધુનિક સુવિધાઓથી સજજ થાણુ સ્થાપવુ નાની વાત નથી. જેમાં યુધ્ધાભ્યાસ, ગ્રહણ, ચંદ્રનું વાતાવરણ અને અંતરિક્ષના વિશિષ્ઠ ચક્રોનું પણ વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. આપત્તિઓના સમયે કોઇ તકલીફ ન પડે તેનો પણ ખ્યાલ રાખીને અહીં સેના માટેની સુવિધા ઉભી કરાશે.

વૈજ્ઞાનિક આધાર પર બનવાશે બેઝ કેમ્પ

ચંદ્ર પર બનનાર આ સેના બેઝ કેમ્પ સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક આધાર લઇને તૈયાર કરાશે. જેમાં સુર્ય કિરણોના આધારે ઉર્જા ઉત્પાદન, રેડીયો ફ્રીકવન્સી, એન્ટેના અને બહુ દુર સુધી જોવા સક્ષમ લોંગ વેવ ઇન્ફ્રારેડ ટેલીસ્કોનો ઉપયોગ કરાશે. જાણકારોના મતે અમેરીકી સેના પોતાને શકિતશાળી પુરવાર કરવા ચંદ્ર પર થાણુ બનાવવાનું હિમ્મતભર્યુ પગલુ ભરી રહેલ છે. બાદમાં તે અંતરીક્ષમાંથી દુશ્મનો પર નજર રાખશે.

(1:15 pm IST)