Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

શું મહાત્મા ગાંધી 'ષડયંત્રકારી' હતા ? કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની ટીપ્પણી પર સંસદમાં ગરમાવો

કોંગ્રેસના એક સાંસદે મહાત્મા ગાંધી માટે આંદોલનજીવી શબ્દનો કર્યો હતો પ્રયોગ

નવી દિલ્હી તા. ૧૨ : રાજયસભાના બજેટ પર ચર્ચા દરમિયાન એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. કોંગ્રેસના એક સાંસદે  મહાત્મા ગાંધી  માટે આંદોલનજીવી શબ્દનો પ્રયોગ કર્યો હતો જેના પર નાણાં રાજય મંત્રી અનુરાગ ઠાકુરે  ટિપ્પણી કરી હતી. ઠાકુરે સામે સવાલ કર્યો હતો કે, શું રાષ્ટ્રપિતા 'ષડયંત્રકારી' હતા? ઠાકુર આમ બોલતા જ કોંગ્રેસના સાંસદ વેલમાં જઈને હોબાળો કરવા લાગ્યા હતાં.

કોંગ્રેસ સાંસદ કે સી વેણુગોપાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આંદોલનજીવી શબ્દના પ્રયોગનો ઉલ્લેખ કર્યો હતો. આંદોલનોની જરૂરીયાતો ગણાવતા વેણુગોપાલે કહ્યું હતું કે, દેશને અંગ્રેજોથી આઝાદી આંદોલનના કારણે જ મળી હતી અને આ તર્કના આધારે તો મહાત્મા ગાંધી સૌથી મોટા આંદોલનજીવી હોત.

કોંગ્રેસ સાંસદ બાદ ઠાકુરે કહ્યું હતું કે, મને કયારેય આવી અપેક્ષા નહોતી કે કોંગ્રેસના જ કોઈ સાંસદ અને પધાધિકારી મહાત્માગાંધીને ષડયંત્રકારી કહેશે. આનાથી વધારે દુર્ભાગ્યની કોઈ વાત જ ના હોઈ શકે. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીને આંદોલનજીવિઓ સાથે જોડવા યોગ્ય નથી. તેમણે ધ્યાન દોર્યું હતું કે, વડાપ્રધાને સ્પષ્ટ રૂપે આંદોલનકારીઓ અને આંદોલનજીવિઓ વચ્ચેનું અંતર સમજાવ્યું છે.

કોંગ્રેસ સાંસદોએ અનુરાગ ઠાકુરની આ ટિપ્પણીનો વિરોધ કરતા કહ્યું હતું કે, કોઈએ ગાંધીને ષડયંત્રકારી નથી કહ્યા. આ સાથે જ કોંગ્રેસના સાંસદો સદનની વેલમાં આવી ગયા હતાં અને અનુરાગ ઠાકુર માફી માંગે તેવી માંગણી કરવા લાગ્યા હતાં. પીઠાસીન ભુવનેશ્વર કલિતાએ કહ્યું હતું કે, તેઓ રેકોર્ડ જોશે અને જો કોઈ શબ્દ અસંસદીય હશે તો તેને કાર્યવાહીમાંથી હટાવી દેશે. આટલા આશ્વાસન બાદ પણ વિરોધ યથાવત રહ્યો હતો.

(1:14 pm IST)