Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ભારતનું ૨૦ ટકા ભૂગર્ભ જળ પ્રદૂષિત થઇ ગયું !!

પંજાબમાં ૯૨% બિહારમાં ૭૦%, પ.બંગાળ ૬૯%, આસામ ૪૮%, હરિયાણા ૪૩%, યુ.પી. ૨૮ અને ગુજરાતનું ભૂગર્ભ જળ ૨૪ ટકા પ્રદૂષિત : ૨૫ કરોડ લોકો ઝેરી તત્વોના સંપર્કમાં આવવાની સંભાવના

નવી દિલ્હી તા. ૧૨ : ભારતના કુલ ભૂસ્તરીય વિસ્તારનું લગભગ ૨૦ ટકા જેટલું ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ ગયું છે. તેના લીધે દેશની ૨૫ કરોડથી પણ વધુ વસતી ઝેરી તત્વોના સંપર્કમાં આવે તેવી સંભાવના વધી ગઈ છે. આઇઆઇટી ખડગપુરના અભ્યાસમાં આ વાત કહેવામાં આવી છે.

તેણે આ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત આગાહી મોડેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિસર્ચરોના જણાવ્યા મુજબ આ તારણો સૂચવે છે કે અત્યંત ઊંચા આર્સેનિક ઝોન્સનો વ્યાપ મોટાપાયા પર વધ્યો છે અને ત્યાંની વસતી પર તેનું જોખમ વધ્યું છે. સરકારી અને સ્વૈચ્છિક સંગઠનોની સેમ્પલિંગની કવાયત અને અહેવાલોમાં પણ આ વાત જાણવામાં આવી ચૂકી છે.

આ અહેવાલ ટોટલ એન્વાયર્નમેન્ટ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે, જે નિર્દેશ કરે છે કે સમગ્ર ભારતમાં આ પ્રકારના ઝેરનું સ્તર ચકાસવા વધુને વધુ આકરા પ્રમાણમાં સેમ્પલિંગ કરવાની જરૂર છે.

આ પ્રકારનું ઝેર જયારે ઇનઓર્ગેનિક સ્વરૂપમાં હોય ત્યારે અત્યંત ઝેરી હોય છે, તે લાંબાગાળે પીવાના પાણી અને અનાજ પર અસર કરે છે. તેના લીધે કેન્સર અને ચામડી પર ઉઝરડા પડવા તથા અન્ય ડિસઓર્ડરોની સંભાવના વધી જાય છે, એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું.

હાલનો અભ્યાસ દર્શાવે છે કે ઝેરનું ઊંચું પ્રમાણ ધરાવતા વિસ્તારો ઇન્ડસ-ગંગા-બ્રહ્મપુત્ર રિવર બેસિનમાં છે અને ભારતના અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક સ્થળો પણ આ પ્રકારના ક્ષેત્રોમાં આવે છે. તેમા કહેવામાં આવ્યું છે કે પંજાબમાં આ ટકાવારી ૯૨ ટકા, બિહારમાં ૭૦ ટકા, પશ્યિમ બંગાળમાં ૬૯ ટકા, આસામમાં ૪૮ ટકા, હરિયાણામાં ૪૩ ટકા, ઉત્તરપ્રદેશમાં ૨૮ ટકા અને ગુજરાતમાં ૨૪ ટકા છે.

આ ટકાવારી દર્શાવે છે કે આ સ્થળોએ ભૂગર્ભ જળ આટલા મોટાપાયા પર આર્સેનિક ઝોનમાં પરિવર્તીત થઈ ચૂકયું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં આ ટકાવારી ૯ ટકા, કર્ણાટકમાં ૮ ટકા, ઓડિશામાં ચાર ટકા, મહારાષ્ટ્રમાં એક ટકા અને જમ્મુ-કાશ્મીરના દક્ષિણ-પૂર્વ હિસ્સામાં એક ટકા છે.

આના કારણે ભારતની કુલ વસતીના ૨૫ કરોડથી વધુ લોકો હવે ઝેરી તત્વના સંપર્કમાં આવવાની સંભાવના ધરાવે છે, એમ પશ્યિમ બંગાળના ખડગપુર ખાતેના ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીના એસોસિયેટ પ્રોફેસર અભિજિત મુખરજીએ જણાવ્યું હતું. આ અભ્યાસમાં વૈજ્ઞાાનિકોએ એડવાન્સ્ડ એઆઇથી સમગ્ર ભારતમાં ભૂગર્ભજળમાં પ્રતિ લિટર ૧૦ માઇક્રોગ્રામ સુધીના ઝેરી તત્વની રાષ્ટ્રીય મંજૂરીપાત્ર મર્યાદાનો મોડેલ તરીકે ઉપયોગ કર્યો હતો.

(1:14 pm IST)