Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

હિંસા અને ખોટા સમાચાર ફેલાવવા ઇન્ટરનેટનો દુરપયોગ થશે તો કડક કાર્યવાહી

સાઇબર ક્રાઇમ ઉપર નજર રાખવા ટેકનોસેવી સ્વયં સેવકો ઉતારાશે

નવી દિલ્હી, તા., ૧રઃ ઇલેકટ્રોનીકસ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે ટવીટર સહીત તમામ ઇન્ટરનેટ માધ્યમોનો ઉપયોગ ભારતના કાયદા કાનુનને અનુસરીને કરવા ચિમકી ઉચ્ચારી છે. તેમણે કહયું કે, ઇન્ટરનેટ અને ટવીટરનો  ઉપયોગ કરી પૈસા કમાતા લોકો સામે કોઇ વાંધો નથી પરંતુ જો આ માધ્યમોનો ઉપયોગ હિંસા ફેલાવવા કે ખોટા સમાચારો ફેલાવી વાતાવરણને દુષીત કરવા થયો તો કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.

રવિશંકર પ્રસાદે કહયું કે જયારે અમેરીકામાં કેપીટલ હિલની ઘટના બને છે તો કેટલીક માઇક્રોબ્લોગીંગ કંપનીઓ ત્યાં સરકાર સાથે ઉભી રહી જાય છે. જયારે ભારતમાં લાલ કિલ્લા ઉપર તોડફોડ કરી ઝંડા લહેરાવવા જેવી દુઃખદ ઘટના બને છે ત્યારે આ કંપનીઓ વિરોધમાં ઉભી રહી જાય છે. આવી દોહરૂ વલણ નહી ચલાવી લેવાય. અમે આલોચનાના અધિકારનું પણ સન્માન કરીએ છીએ. પરંતુ ઇન્ટરનેટનો દુરઉપયોગ હિંસા, વૈમનસ્ય અને ખોટા સમાચારોનો ફેલાવો કરવા નહિ ચલાવી લેવાય. ગુરૂવારે સંસદમાં ઇન્ટરનેટ મીડીયાના ટવીટર, ફેસબુક, લીંકડેન અને વોટસએપ જેવા માધ્યમોના થઇ રહેલા દુરઉપયોગ સંદર્ભે તેઓએ લાલબતી ધરી હતી.

દરમિયાન ગૃહ મંત્રાલયે ૭૦ બાળકોના અશ્લીલ વિડીયો બનાવી ઇન્ટરનેટ ઉપર વેચવાવાળા યુપી સિંચાઇ વિભાગના જુનીયર એન્જીનીયર રામ ધવનની માફક કોઇ સાઇબર અપરાધી લાંબા સમય સુધી કાયદાના ગાળીયાથી બચી નહિ શકે તેવું જણાવ્યું હતું. ગૃહ મંત્રાલય સમગ્ર દેશમાં ટેકનોસેવી સાઇબર સ્વયં સેવકોની ફોજ તૈયાર કરવા જઇ રહી છે. આ માટે દરેક રાજયોના પોલીસ વિભાગને આવા સ્વયં સેવકોનું રજીસ્ટ્રેશન કરવા સુચના આપવામાં આવી છે.

(1:13 pm IST)