Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

દેશમાં ૭૫ લાખ લોકોને અપાઇ કોરોના વેકસીન : મૃત્યુઆંક ઘટયો

છેલ્લા ૨૪ કલાકમાં ૯૩૦૯ નવા કેસ નોંધાયા : ૮૭ દર્દીના મોત

નવી દિલ્હી તા. ૧૨ : કોવિડ-૧૯ સામે ભારતમાં જંગ ચાલી રહ્યો છે કોરોના વેકસીનના અભિયાનના માધ્યમથી. દેશમાં અત્યાર સુધીમાં ૭૫ લાખ લોકોનું રસીકરણ  કરવામાં આવી ચૂકયું છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાયો છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ ૭૫,૦૫,૦૧૦ લોકોને કોવિડ વેકસીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૯,૩૦૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૮૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૮,૮૦,૬૦૩ થઈ ગઈ છે.

કોવિડ-૧૯ ની મહામારી સામે લડીને ૧ કરોડ ૫ લાખ ૮૯ હજાર ૨૩૦ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૧૫,૮૫૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૩૫,૯૨૬ એકિટવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૫,૪૪૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૧ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ ૨૦,૪૭,૮૯,૭૮૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના ૨૪ કલાકમાં ૭,૬૫,૯૪૪ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતની વાત કરીએ તો, ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૮૫ કેસ નોંધાયા છે. જેની સામે ૩૦૨ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ ના કારણે બે દર્દીના મોત થયા છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૪૩૯૯ થયો છે. રાજયમાં સાજા થવાનો દર ૯૭.૬૬ ટકા છે. રાજયમાં આજે ૨૭,૬૫૭ વ્યકિતઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૭,૪૧,૭૮૮ વ્યકિતઓનું રસીકરણ થયું છે.

(1:12 pm IST)