Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

લોન ન ભરનારાઓ પર હવે તવાઇ

લોકડાઉનમાં નાણા મેળવી પાછા ભરવામાં ઉહુ કરનારાઓ ધ્યાન રાખજો... : બેંકોએ ૨૧ હજાર લોનધારકોની નામાવલી તૈયાર કરી : આકારા પગલા ભરશે

નવી દિલ્હી તા. ૧૨ : લોકડાઉન દરમિયાન બેંકો પાસેથી તગડી લોન મેળવી હપ્તા નહીં ભરનારાઓ સામે પગલાનો ગાળીયો બેંકો મજબુત બનાવી રહી છે. જિલ્લા વહીવટી તંત્રની મદદ લઇને વસુલાત શરૂ કરવા તૈયારીઓ આદરવામાં આવી છે.

લીડ બેંકના પ્રભારી વેદરતનએ જણાવેલ કે ડીસેમ્બર મહીનામાં ૨૫ હજારથી વધુ લોકોને હપ્તો ભરવા નોટીસો મોકલવામાં આવી છે. તેઓને લોક અદાલતના માધ્યમથી સમજુતી કરી રકમ ચુકવી દેવા એક મોકો અપાશે. અંદાજીત ૩૫૪૯ કરોડ રૂપિયાની લોન બાકી બોલી રહી છે. જેમાંથી નોટીસ જારી થતા સાડા ત્રણ હજાર લોકોએ ૧૧૦૦ કરોડથી વધુ રકમ પરત જમા કરાવી દીધી હતી. હજી ૨૧ હજારથી વધુ લોકો એવા છે કે જેમણે નોટીસને ગણકારી નથી. જેઓની ૨૪૩૪ કરોડ જેવી રકમ બાકી બોલે છે. હવે તેમના લોન એકાઉન્ટને એનપીએ ગણી તપાસ શરૂ કરી દેવાશે. (૧૬.૧)

લેણદાર કહે છે મકાન મળ્યુ નથી ને લોનના હપ્તા ચાલુ થઇ ગયા

ઇંન્દીરાપુરમના એક લોનધારકે એવો ખુલાસો કર્યો છે કે ગ્રેનો વેસ્ટમાં ત્રણ વર્ષ પહેલા મકાન બુક કરાવ્યુ હતુ. જે માટે ૩૦ લાખની લોન લીધેલ. મકાન હજુ અમને મળ્યુ નથી ને લોનના હપ્તા ચાલુ થઇ ગયા છે. એક તો લોકડાઉનમાં નોકરી પણ ચાલી ગઇ છે. ત્યારે બીજી તરફ હપ્તાની વ્યવસ્થા કઇ રહીતે કરવી.

લોકડાઉનમાં નોકરી ચાલી ગઇ તો હપ્તા કેમ કરીને ભરીએ

ગ્રેનો વેસ્ટમાં રહેતા એક યુગલે જણાવ્યુ કે અમો મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતા હતા. જેના આધારે ૫૦ લાખની લોન મકાન ખરીદવા લીધી હતી. હવે લોકડાઉનમાં નોકરી ચાલી ગઇ છે. બેરોજગાર બની ગયા છીએ. આવી સ્થિતીમાં લોનના હપ્તા ભરપાઇ કેમ કરવા? તેવો સવાલ તેઓએ ઉઠાવ્યો છે.

(11:41 am IST)