Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

યુપીમાં કોમી તોફાનો સર્જવાનું કાવત્રું : ઇડી

હાથરસ બળાત્કારકાંડના પગલે પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયાના સભ્યો અને વિદ્યાર્થી પાંખ દ્વારા

લખનૌ તા. ૧૨ : ગયા વર્ષે યુ.પી.ના હાથરસ ખાતે થયેલ સામુહિક બળાત્કારની ઘટના પછી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પી.એફ.આઇ.) અને તેના છાત્ર સંગઠનના સભ્યો દ્વારા કોમી તોફાનો અને આતંક ફેલાવવાનું કાવત્રું થયાની એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઇ.ડી.) દ્વારા મની લોન્ડ્રીંગની પ્રથમ એફ.આઇ.આર.માં દાવો કર્યો છે.

કેન્દ્રીય તપાસ એજન્સી આ કેસમાં ૨૦૧૮થી તપાસ કરી રહી છે. ૨૦૦૬માં પી.એફ.આઇ. સંસ્થાની કેરળમાં રચના થયેલ તેનું હેડકવાર્ટર દિલ્હીમાં છે.

ઇડીએ હાલમાં જ આ ઇસ્લામિક સંગઠનની તપાસ હાથ ધરી છે, જેમાં મુખ્યત્વે સી.એ.એ. (સુધારેલ નાગરિકતા કાનૂન) વિરોધી દિલ્હીમાં થયેલ કોમી તોફાનોમાં પીપીએફની શું ભૂમિકા છે તેની તપાસ હાથ ધરી હતી.

બે દિવસ પહેલા જ અહીંની પી.એમ.એલ.એ. કોર્ટમાં એફ.આઇ.આર. દાખલ કરવામાં આવી છે.

પી.એફ.આઇ.ની વિદ્યાર્થી શાખા કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (સી.એફ.આઇ.)ના મહામંત્રી કે.એ. રઉફ શરીફ, ખજાનચી અતિક્રુર રહેમાન, દિલ્હી સી.એફ.આઇ.ના મહામંત્રી મસૂદ અહમદ, પત્રકાર અને પી.એફ.આઇ. સાથે સંકળાયેલ સિદીકી કપ્પન અને પી.એફ.આઇ.ના સભ્ય મોહમદ આલમના નામો એફ.આઇ.આર.માં દાખલ કરાયા છે.

અદાલતે ૧૮ માર્ચ હાજર થવા આ પાંચેય આરોપીને સમન્સ જાહેર કર્યા છે. એક આરોપી રઉફને ઇ.ડી.એ. ડીસેમ્બર ૨૦૨૦માં દેશ છોડી ભાગી જઇ રહેલ ત્યારે કેરળમાં એરપોર્ટ ઉપરથી ઝડપી લીધેલ. અન્ય ૪ને મથુરામાંથી પકડી લેવાયેલ.

(11:36 am IST)