Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

પીએમ મોદી અંગેના વિવાદને લઇને ગુગલના સુંદર પિચાઇ સહિત ૧૮ વિરૂધ્ધ વારાણસીમાં ફરિયાદ નોંધાઇ

એડિશનલ ચીફ જયુ. મેજી.-૩ના આદેશથી ગૌરીગંજ નિવાસી ગિરિજા શંકર જયસ્વાલની અરજી પર કરાઇ કાર્યવાહી

નવી દિલ્હી તા. ૧૨ : વારાણસીના ભેલુપુર પોલીસ સ્ટેશનમાં ગુનાઇત કાવતરા અને ધાકધમકી સહિતના આરોપમાં ગૂગલના ચીફ એકિઝકયુટિવ ઓફિસર સુંદર પિચાઇ, ગાયક વિશાલ ગાઝીપુરી અને સપના બૌદ્ઘ સિંગર સહિત ૧૮ લોકો વિરુદ્ઘ કેસ નોંધવામાં આવ્યો છે. વારાણસીના એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ -૩ ના આદેશથી ગૌરીગંજ નિવાસી ગિરિજા શંકર જયસ્વાલની અરજી પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ગિરિજા શંકર જયસ્વાલના વોટ્સએપ ગ્રુપ પર દેશ વિક્રેતા નામનો એક વિડીયો આવ્યો હતો. વીડિયોમાં પીએમ નરેન્દ્ર મોદીના મામલે દેશને વેચવા સહિતની અન્ય પ્રકારની અમર્યાદિત વાતો કરવામાં આવી હતી. વીડિયોના સંબંધમાં તેણે ગાયક વિશાલ ગાઝીપુર ઉર્ફે વિશાલસિંહ બાદલ સાથે વાત કરી કે આવું શું કામ કરવામાં આવ્યું છે?જો વડા પ્રધાનને લઈને કોઈ ફરિયાદ હોય તો સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરો અને જો કોઈ ખોટી વાતચીત કરી છે તો તંત્ર સજા કરશે. આ અંગે ગાજીપુરના નોનહરા પોલીસ મથકના વિશુનપુરામાં રહેતા વિશાલ ગાઝીપુરીએ તેમની સામે જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ કરી હતી અને આ સાથે, તેમનો નંબર યુટ્યુબ પર મૂકયો હતો.જે બાદ ગિરિજા શંકરના ફોન પર આશરે ૮૫૦૦ જેટલા ધમકીભર્યા કોલ આવ્યા અને તે પરેશાન થઈ ગયો. ગિરિજા શંકરે કહ્યું કે વિશાલ અને તેના સાથીઓએ ગાજીપુરના એક સ્ટુડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબંધમાં બીજા ઘણા વાંધાજનક અને અભદ્ર ગીતો ગાયા છે.

આ સાથે, વિશાલ અને તેના અન્ય સાથીઓએ હિન્દુ ધર્મ અંગે વાંધાજનક ટિપ્પણી કરી છે અને તેમની પાસેથી વસૂલીની માંગણી પણ કરી છે. આ કેસની ફરિયાદ એસએસપીને કરવામાં આવી હતી પરંતુ ટ્રાયલ ન થવાથી તે કોર્ટમાં ગયો હતો અને અદાલતના આદેશ પર ફરિયાદ નોંધાઈને તપાસ શરૂ થઈ છે.

(11:34 am IST)