Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ગજબ થઇ : ગવર્નરને વિમાનમાંથી ઉતરી જવું પડયું

મહારાષ્ટ્રમાં ભાજપનું માથું ભાંગે તેવી શિવસેના સરકારના એક પછી એક ફટકાઃ અમે નિયમ મુજબ કરેલ છેઃ સંજય રાઉત : આવી અહંકારી સરકાર આ પુર્વે કયારેય જોઇ નથીઃ ફડણવીસ

મુંબઇ, તા., ૧રઃ મહારાષ્ટ્રના ગર્વનર ભગતસિંહ કોશ્યારીને ગુરૂવારે દહેરાદુન જવા રાજય સરકારના વિમાનનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનો ઇન્કાર કરાતા રાજકીય વિવાદ છેડાયો હતો. વિપક્ષ ભાજપે આ બનાવ બદલ ઉધ્ધવ ઠાકરેજીની મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકારની ટીકા કરી એને માફી માગવા કહયું હતું.

કોશ્યારી ગુરૂવારે રાજય સરકારના વિમાનમાં દેહરાદુન જવાના હતા. પરંતુ ગવર્નર વિમાનમાં ગોઠવાઇ ગયા હોવા છતાં એમને એમાં પ્રવાસ કરવાની પરવાનગી નહોતી અપાઇ એમ સુત્રોએ જણાવ્યું હતું.

ગવર્નર પછીથી તેમાંથી ઉતરી પોતાના વતન ઉતરાખંડની રાજધાની દહેરાદુન જવા મુંબઇથી એક કમર્સિયલ ફલાઇટમાં રવાના થયા હતા. ઠાકરે સરકારે નિયમ મુજબ કાર્ય કર્યુ છે એટલે ભાજપને ઠાકરે સરકાર અભિમાની લાગે છે. તો કૃષિ કાયદા બાબતે કેન્દ્રની સરકારની વતર્ણુક છે તે અહંકારી નથી લાગી એવો પ્રશ્ન કરીને શિવસેના સંજય રાઉતે વિપક્ષ નેતાના દેવેન્દ્ર ફડણવીસના આરોપનો સણસણતો પ્રત્યુતર આપ્યો હતો.

ગવર્નરનું અપમાન થાય એવું ઠાકરે સરકાર અથવા મુખ્ય પ્રધાને કર્યુ નથી તો કેવી રીતે ઠાકરે સરકાર અભિમાની ભાજપને લાગે છે એમ સંજય રાઉતે બચાવ કર્યો હતો.રાજય સરકારે વિમાન પ્રવાસની પરવાનગી ન આપતા ગવર્નર ભગતસિંહ કોશીયારીને વિમાનમાંથી ઉતરવું પડયું છે. તે રાજયના મોભી એવા ગવર્નરનું અપમાન છે એમ કહીને વિપક્ષનેતા દેવેન્દ્ર ફડણવીસે નારાજગી વ્યકત કરી છે. આટલો ઇગો ધરાવતી સરકાર આ પુર્વે મહારાષ્ટ્રમાં કયારેય જોઇ નથી. સરકારને પ્રચંડ ઇગો શેનો છે? એવા સવાલ દેવેન્દ્ર ફડણવીસે કરીને ઠાકરે સરકારને આડે હાથ લીધી હતી.

(11:32 am IST)