Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ખેડૂત આંદોલનથી રોજ ૨ કરોડના ટોલની ખોટ

પંજાબ - હરિયાણા - દિલ્હીના બાવન ટોલ પ્લાઝાને તાળા : કુલ ૬૦૦ કરોડનું નુકસાન : અબજોનું દેણું જોખમમાં મૂકાયું

નવી દિલ્હી તા. ૧૨ : નવા કૃષિ કાનૂનો રદ્દ કરાવવા ૭૯ દિવસથી ચાલી રહેલા ખેડૂત મહાઆંદોલનને કારણે સરકારને દરરોજ ૧.૮ કરોડ રૂપિયાનું માત્ર 'ટોલ'નું નુકસાન થઇ રહ્યાનું મોદી સરકારે સંસદમાં જણાવ્યું હતું. આ ખેડૂત આંદોલનને કારણે પંજાબ, હરિયાણા અને દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં ડિસેમ્બર મહિનાથી અનેક જગ્યાએ ટોલ કલેકશન થઇ શકેલ નથી.

ભાજપના સાંસદ પી.સી.ગડ્ડીગોદારે પૂછયું હતું કે, શું ખેડૂત આંદોલનથી નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાને (એનએચએઆઇ)ને મોટી રકમનું નુકસાન થયું છે ખરા ?

જવાબમાં કેન્દ્રિીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવેલ કે, આ આંદોલનથી પબ્લિક ફંડેડ ટોલ પ્લાઝાના મામલામાં દરરોજ ૧.૮ કરોડ રૂ.નું નુકસાન થઇ રહ્યું છે.

ક્રેડિટ રેટીંગ એજન્સી આઇ.સી.આર.એ.ના કહેવા મુજબ પંજાબ - હરિયાણા - દિલ્હી એન.સી.આર.માં ટોલ પ્લાઝા કલેકશન ક્ષેત્રે ૬૦૦ કરોડનું નુકસાન થયું છે અને ૬૦૦૦ કરોડનું દેણું જોખમમાં મૂકાઇ ગયું છે. ઉપરોકત રાજ્યોમાં ૫૨ ટોલ પ્લાઝા બંધ છે. સ્ટેટ હાઇવે પ્રોજેકટોને મોટું નુકસાન જઇ રહ્યું છે તે અલગ છે.

(10:10 am IST)