Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કાશ્મીરમાં બ્લેક સ્નોનો વરસાદ વરસશે ત્યારે ભાજપમાં જોડાઇશ : ગુલામ નબી આઝાદ

કાશ્મીરના ભાગલા કરી અલગ કર્યા તે કાશ્મીરીઓ સહન કરી શકયા નથીઃ અમને ભસ્મીભૂત કરી નાખ્યા છે : જબરો વસવસો દર્શાવ્યો : અમારા બન્નેની આંખમાં આસુ આવ્યા તેની પાછળ અલગ જ ઘટના કારણભૂત હતી : કોંગી દિગ્ગજે મનખોલી વાતો કરી

નવી દિલ્હી,તા. ૧૨: સંસદમાં ૪ દાયકાની લાંબી સેવાઓ આપી સોમવારે રાજ્યસભાને અલવિદા કહેનાર કોંગ્રેસના સીનીયરમોસ્ટ કાશ્મીરી નેતા ગુલામ નબી આઝાદ હિન્દુસ્તાન ટાઇમ્સના સુનેત્રા ચૌધરી અને સૌભદ્રા ચેટર્જી સાથેની ખાસ મુલાકાતમાં જણાવેલ ' હું ભાજપમાં ત્યારે જોડાઇશ જ્યારે કાશ્મીરમાં 'બ્લોક સ્નો' વરસશે...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકસભામાં શ્રી ગુલામ નબી આઝાદને અપાયેલ લાગણીસભર વિદાય ભાષણ પછી એવું મનાતુ રહ્યુંછે કે તેઓ કદાચ ભાજપમાં જોડાઇ જશે. તેમણે પોતાને 'હિન્દુસ્તાન મુસ્લિમ'તરીકે દર્શાવ્યા પછી આ માન્યતા વધુ દ્રઢ બનેલ.

તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથેના સંબંધો અંગે પ્રકાશ પાડતા કહ્યું કે અમે એકબીજાને ૧૯૯૦ થી (૩૧ વર્ષથી) ઓળખીએ છીએ. અમે બન્ને અમારા પક્ષોના મહામંત્રી હતા. ટીવી ડીબેટમાં અમે સાથે મળતા હતા વિચારો દર્શાવતા હતા જેમાં વ્હેલા પહોંચીને તો સાથે ચા પીતા, વિચારોની આપ-લે કરતા.

ત્યારબાદ અમે બન્ને મુખ્યમંત્રીઓ બન્યા ત્યારે વડાપ્રધાનની મિટીંગોમાં મળવાનું થતુ, ગૃહપ્રધાનની બેઠકમાં પણ મળતા.

તે પછી હું આરોગ્યમંત્રી બનેલ તેઓ મુખ્યમંત્રી હતા અમે દર ૧૦ -૧૫ દિવસે વિવિધ વિષયો ઉપર વાતચીત કરતા હતા.

અમારા બન્નેની આંખોમાં પાણી આવી ગયેલા એ એટલા માટે ન્હોતા આવ્યા કે , અમે એકબીજાને ઓળખતા હતા, પરંતુ ૨૦૦૬માં ગુજરાતી ટુરીસ્ટ બસ ઉપર કાશ્મીરમાં હુમલો થયો ત્યારે નરેન્દ્રભાઇ સાથે વાતચીત કરતી વેળાએ હું ભાંગી પડેલ. વડાપ્રધાનશ્રીએ કહેલ કે આ એ વ્યકિત છે જે નિવૃત થઇ રહેલ છે સાથો સાથે એક ઉમદા માનવી પણ છે.

તેઓ (નરેન્દ્રભાઇ) પોતાની વાત, એ બનાવ પુરો કરી શકયા નહિ કારણ કે તેઓ ખૂબ લાગણીવશ બની ગયેલ અને જ્યારે હું તેમની આ વાત, એ બનાવ પુરી કરવા માગતો હતો ત્યારે હું પણ તે વાત પુરો કરી શકયો નહિ કારણ કે ૧૪ વર્ષ પૂર્વે ગુજરાતની ટુરીસ્ટ બસ ઉપર જે હુમલો થયેલ તે વેળાની ક્ષણમાં હું ચાલ્યો ગયેલ.

શ્રી ગુલામ નબી આઝાદે કહ્યું કે જમ્મુ -કાશ્મીરની સમગ્ર પ્રજા માત્ર આર્ટીકલ ૩૭૦ માટે નહિ પણ અમને નામશેષ કરી નખાયા, ભસ્મીભૂત કરી નખાયા તેનાથી તમામ પ્રજા ખૂબ જ ચિંતીત બની છે. જમ્મુ કાશ્મીરના ભાગલા કરાયા અને આ રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી તેનું ગૌરવ ખત્મ કરાયું તેનાથી સહુ વ્યથિત થયા છે.

મેં કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્યોમાં અપગ્રેડ થઇ પરિવર્તિત થતા જોયા છે. પરંતુ મારૃં પોતાનું રાજ્ય એ દેશમાં સૌથી મોટું અને જુનામાં જુનું રાજ્ય છે. તેને કેન્દ્ર શાસિત બનાવી નાખ્યું, આ વાત કોઇથી સહન થતી નથી.

કોંગી નેતા શશી થરૂરે વડાપ્રધાનના આંસુઓને ' વ્યવસ્થિત સર્જવામાં આવેલ દેખાવ ' તરીકે વર્ણવેલ. અંગે ગુલામ નબીએ કહેલ કે, તેમણે આવું કયાં સેન્સમાં કહ્યું હશે તે હું જાણતો નથી. અનેક લોકો એમ માને છે કે વડાપ્રધાને રડવાનું નાટક કર્યું હતું. કારણ કે એક કોંગ્રેસી વિદાય લેતો હોય તેનાથી  તેમણે શું પડી હોય ? મે કહ્યું જ છે તેમ તેમણે કહેલા શબ્દો મારા માટે હતા, પણ અમારી જો લાગણીઓ વ્યકત થઇ તે અલગ દ્રષ્ટિકોણથી તે સર્જાઇ હતી.

એ સમયના રાજકારણમાં કેટલી હદે નિખાલસતા હતી.. : રાજમાતા સિંધીયાએ મારા ઉપર આક્ષેપ કર્યા, મેં અટલજીના નેતૃત્વમાં ભાજપ સભ્યોની કમિટી દ્વારા તપાસ માગી : આઝાદ

તમે ભાજપમાં જોડાઇ રહ્યા છો તેવી ધારણા થઇ રહી છે તે અંગે શું કહેશો? આવા પ્રશ્નના જવાબમાં શ્રી ગુલાબ નબી આઝાદે કહેલ કે કાશ્મીરમાં જ્યારે કાળા બરફની વર્ષા થશે (બ્લેક સ્નો ફોલ) ત્યારે હું ભાજપમાં જોડાઇશ. જે લોકો આવી વાતો કરે છે અને અફવા ફેલાવે છે તે મને નથી જાણતા કોંગ્રેસના આ ખૂબ મોટા ગજાના નેતા અને અનેક પદ ઉપર રહી ચૂકેલા દિગ્ગજોએ કહેલ કે જ્યારે સંસદમાં રાજમાતા સિંધીયા ગૃહના નાયબ નેતા હતા ત્યારે ગૃહમાં ઉભા થઇ મારા ઉપર કેટલાક આક્ષેપો કર્યા હતા. હું તે જ ક્ષણે  ઉભો થયેલ અને ગૃહમાં કહેલ કે મારા વિરૂધ્ધના આ આક્ષેપોને હું ખૂબ જ ગંભીરતાથી લઉં છું અને મારી સરકાર વતી (એ સમયે કેન્દ્રમાં કોંગી સરકાર હતી અને તેઓ કેબીનેટ પ્રધાન હતા) હું સુચવું છું કે અટલ બિહારી વાજપેયીના વડપણ હેઠળ સમિતિ રચવામાં આવે અને તેમાં મારી ઉપર આક્ષેપ કરનારા રાજમાતા સિંધીયા ખુદ અને  એલ કે. અડવાણી તેના સભ્યપદે રહે. (ત્રણેય સભ્ય ભાજપના) તેઓ ૧૫ દિવસમાં મારા વિરૂધ્ધના આક્ષેપોની તપાસ પુરી કરે અને જે પણ સજા તેઓ સુચવે, હું સ્વિકારી લઇશે. અટલજીનો મે ઉલ્લેખ કરતા જ તેઓ ઉભા થયેલ અને કહેલ કે હું શા માટે ? મે કહેલ કે હું કહું છુ ત્યારે અટલજીએ ઉભા થઇને કહેલ કે હું ગૃહને અને ગુલામ નબી આઝાદની પણ આ અંગે મારી માફી જાહેર કરૃં છું. કદાચ રાજમાતા સિંધીયા તેમને ઓળખતા નહિ હોય, પણ હું ઓળખું છું.

(10:08 am IST)