Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સિમેન્ટ સ્ટીલના કૃત્રિમ ભાવ વધારા સામે દેશવ્યાપી હડ઼તાળ

સરકાર સામે વધુ એક ઉદ્યોગે બાંયો ચઢાવી : ઉદ્યોગોની પાંચ સંસ્થાઓ દ્વારા ઉત્પાદકો દ્વારા કરાઈ રહેલા કાર્ટેલાઈઝેશનનો વિરોધ કરવા આંદોલન કરાશે

અમદાવાદ, તા. ૧૧ : સિમેન્ટ, સ્ટીલ, ડીઝલ તથા બિટુમેનના ભાવમાં થઈ રહેલાં અસહ્ય કૃત્રિમ ભાવ વધારા તથા સિમેન્ટ અને સ્ટીલના ઉત્પાદકો દ્વારા કરાઈ રહેલા કાર્ટેલાઈઝેશનનો વિરોધ કરવા માટે બાંધકામ અને તેના સંલગ્ન ઉદ્યોગોની પાંચ સંસ્થાઓએ ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કર્યું છે.

બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ગુજરાત પ્રકલ્પના હોદ્દેદારો દ્વારા ક્રેડાઈ ગુજરાત (કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા- ગુજરાત), ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન, ક્રેડાઈ અમદાવાદ ગાહેડ (ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ) અને એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ (ઇન્ડિયા) અમદાવાદ સેન્ટર સાથે ઉપરોક્ત વિષય પર આયોજિત સંયુક્ત બેઠકમાં સ્ટીલ અને સિમેન્ટ ઉત્પાદક કંપનીઓ દ્વારા અપનાવાતી અનૈતિક કાર્યપદ્ધતિઓ અને અયોગ્ય બિઝનેસ પ્રેક્ટિસ અને કાર્ટેલાઈઝેશન સહિતના વિવિધ મામલે વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. જેને લીધે રિઅલ એસ્ટેટ સેક્ટર અને ભારતીય અર્થતંત્ર પર થઈ રહેલી વિપરીત અસરોને ધ્યાનમાં રાખીને ઉપર નિર્દિશ્ટ તમામ એસોસિયેશનોએ બિલ્ડર એસોસિયેશન ઓફ ઈન્ડિયાના ગુજરાત પ્રકલ્પ દ્વારા સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓના કાર્ટેલાઈઝેશ વિરુદ્ધ શરૂ કરાયેલા અભિયાનને એકમતે સહયોગ આપી મામલે ત્વરિત હસ્તક્ષેપ કરવા સરકારને અપીલ કરી હતી.

કાચા માલની કિંમતમાં કોઈ પણ વધારો બાંધકામ ખર્ચ અને એકંદર પ્રોજેક્ટ ખર્ચમાં વધારો કરશે. ભારતમાં સ્ટીલ અને સિમેન્ટ મુખ્ય કાચો માલ છે અને બાંધકામમાં ઉપયોગમાં લેવાતી કુલ સામગ્રીમાં તેનો હિસ્સો ૬૫% થી ૭૦% જેટલો રહે છે. બીજી બાજુ નિશ્ચિત દર, નિશ્ચિત સમયના ધોરણે કામ કરતાં કોન્ટ્રાક્ટરોનેસિમેન્ટ અને સ્ટીલના ઊંચા ભાવનો ભોગ બનવું પડે છે. જેને પગલે નજીકના ભવિષ્યમાં બાંધકામની કિંમતમાં ૧૫થી ૨૦ ટકા વધી જશે અને ઘર ખરીદનારા લોકોને પણ તેમના ઘર માટે વધુ કિંમત ચૂકવવી પડશે.

ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનનાં પ્રમુખ અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, સિમેન્ટ, સ્ટીલ,ડિઝલ અને બિટુમેનનાં ભાવોમાં અસહ્ય વધારાને કારણે જાહેરક્ષેત્રનાં આંતરમાળખાકીય પ્રોજેક્ટો અટવાઈ જશે અને જાહેર નાણાંનું અબજો રૂપિયાનું નુકશાન થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરો માટે પરર્ફોમન્સ બેક્ન ગેરંટી -૧૦ ટકાથી ઘટાડીને ટકા કરવામાં આવે તેવી પણ અમારી માંગ પણ સરકારે પૂરી કરી નથી. સિમેન્ટ રેગ્યુલરેટરી ઓથોરિટીની રચના કરવા સહિતની વિવિધ માગ સાથે તારીખ ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ બાંધકામ અને તેને સંલગ્નક્ષેત્રોના સંગઠનો દ્વારા હડતાલ પાડવામાં આવશે અને ક્લેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. દેશનાં અર્થતંત્રમાં જીડીપી વૃદ્ધિ તેમજ ખર્ચ આયોજનમાં બાંધકામનો હિસ્સો ૫૦ ટકાનો છે. તેની સાથે ૨૫૦ જેટલા ઉદ્યોગો સંકળાયેલા છે. ઉદ્યોગ ૪૦ મિલિયનથી વધુ કામદારોને રોજગારી પૂરી પડે છે જે રોજગારીમાં કૃષિક્ષેત્ર પછીનાં સ્થાને છે.૨૦૩૦ સુધીમાં ૬૦૦ મિલિયનના આંકને સ્પર્શનારી યુવા વસતિનો મહત્તમ લાભ મેળવવા માટે ભારતે યુવાનોને સમાવવા માટે શહેરોમાં વિશાળ આવાસ બનાવવાની જરૂર છે.

(12:00 am IST)