Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

બોલિવુડ સુપરસ્ટાર કરીના કપૂર ખાનના પિત્રાઈ અરમાન જૈનના ઘર પર ઈડીના દરોડા

રાજીવ કપૂરના નિધન સમયે કાર્યવાહી જારી હતી : ટોપ્સ ગ્રુપ અને શિવસેનાના ધારાસભ્ય સરનાઈક વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં તપાસમાં અરમાનનું નામ ખુલ્યું

મુંબઈ, તા. ૧૧ : બોલિવુડ સુપરસ્ટાર કરીના કપૂર ખાન અને રણબીર કપૂરના કઝિન અરમાન જૈનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) મની લોન્ડરિંગના કેસમાં સમન્સ પાઠવ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઈડીના અધિકારીઓએ અરમાનના પેડર રોડ સ્થિત ઘરે મંગળવારે વહેલી સવારે દરોડ પાડ્યા હતા. અરમાન પત્ની અનિસા મલ્હોત્રા, પિતા મનોજ જૈન, માતા રિમા જૈન અને નાના ભાઈ આદર જૈન સાથે ઘરમાં રહે છે.

મંગળવારે અરમાનના ઘરે દરોડા ચાલતા હતા ત્યારે સમાચાર આવ્યા કે, રાજીવ કપૂર (રિમા, ઋષિ અને રણધીર કપૂરના નાના ભાઈ)નું અવસાન થયું છે. જેના પગલે ઈડીએ રિમા જૈનને રાજીવ કપૂરના ઘરે જવાની પરવાનગી આપી હતી. ત્યારબાદ થોડા કલાકો સુધી દરોડા ચાલુ રાખ્યા હતા. તપાસ પૂરી થયા બાદ ઈડી અરમાનને મામાના અંતિમ સંસ્કારમાં જવા દેવાની પરવાનગી આપી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, ટોપ્સ ગ્રુપ (એક ખાનગી સિક્યુરિટી ફર્મ) અને શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન અરમાન જૈનનું નામ સામે આવ્યું હતું. અરમાન પ્રતાપ સરનાઈકના દીકરા વિહાંગનો નજીકનો મિત્ર હોવાનું કહેવાય છે. કેસમાં વિહાંગની પણ તપાસ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, અરમાન અને વિહાંગ વચ્ચે નાણાંકીય વ્યવહારો અને બિઝનેસ ટ્રાન્ઝેક્શન સંબંધિત કેટલાક મેસેજોની આપ-લે થઈ હતી, તેમ સૂત્રોનું કહેવું છે.

ટોપ્સ ગ્રુપ અને એમએમઆરડીએ ડીલ દ્વારા મળેલી કમિશનની રકમ વિશે ઈડી અરમાનની પૂછપરછ કરવા માગે છે તેવો રિપોર્ટમાં ઉલ્લેખ છે.

મહત્વનું છે કે, અરમાન જૈન રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂરની બહેન રિમા જૈનનો દીકરો છે. અરમાને ૨૦૧૪માં ફિલ્મ લેકર હમ દિવાના દિલથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે, ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. સિવાય અરમાને એક મેં ઔર એક તૂ, માય નેમ ઈઝ ખાન અને સ્ટુડન્ટ ઓફ યર જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું હતું. અરમાન જૈને ૨૦૧૯માં અનિસા મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. ૨૦૨૧માં અરમાને નવી રેસ્ટોરાં શરૂ કરી છે.

(9:33 am IST)