Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

હવે રેલવેમાં એસી કોચમાં સસ્તી મુસાફરી કરી શકાશે

રેલવેનો સુવિધાથી સજ્જ નવો થર્ડ એસી કોચ તૈયાર : થ્રી ટિયર ઈકોનોમી ક્લાસ અથવા થર્ડ એસી ઈકોનોમી ક્લાસના નવા કોચનું ભાડું થર્ડ એસીથી ઓછું રહેશે

નવી દિલ્હી, તા. ૧૧ : ઈન્ડિયન રેલવેએ નવો થર્ડ એસી કોચ તૈયાર કર્યો છે. કોચ ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. નવા કોચમાં સીટની ક્ષમતા વધારવામાં આવી છે. નવા કોચમાં ૮૩ સીટ છે જ્યારે અત્યારે ચાલી રહેલા થર્ડ એસી કોચમાં ૭૨ સીટ હોય છે. નવા કોચને થ્રી ટિયર ઈકોનોમી ક્લાસ તરીકે ઓળખવામાં આવશે.

દરેક સીટ એટલે કે બર્થ માટે એસી વેન્ટ આપવામાં આવ્યું છે જેથી દરેક પેસેન્જર મુસાફરી દરમિયાન ઠંડી હવાની મજા માણી શકે. અત્યારે કોચના માત્ર ટોપ પર એસી વેન્ટ હોય છે. મિડલ અને ઉપરના બર્થ પર ચઢવા માટે સરળ સીડી પણ આપવામાં આવી છે. રાત્રે અથવા ઓછા પ્રકાશ માટે એલઈડી લાઈટિંગ આપવામાં આવી છે.

થ્રી ટિયર ઈકોનોમી ક્લાસ અથવા થર્ડ એસી ઈકોનોમી ક્લાસના નવા કોચમાં મુસાફરી કરવી પેસેન્જરને મોંઘુ નહીં પડે. તેનું ભાડું થર્ડ એસી અને નોન એસી સ્લીપર ક્લાસની વચ્ચે રહેશે. એટલે કે તમારે તેના માટે થર્ડ એસી કરતા ઓછું ભાડું ચૂકવવું પડશે.

બંને કોચમાં મુખ્ય અંતર છે કે થર્ડ એસીમાં અત્યારે ૭૨ બર્થ હોય છે જ્યારે થર્ડ એસી ઈકોનોમી ક્લાસમાં ૮૩ બર્થ હશે. એટલે કે તેમાં ૧૧ બર્થ વધારે હશે. થર્ડ એસીનું ભાડું પહેલા કરતા વધી જશે અને થર્ડ એસી ઈકોનોમી નવો ક્લાસ આવશે. થર્ડ એસીના કોચમાં વધારે સીટો કાઢીને બનાવવામાં આવેલા થર્ડ એસી ઈકોનોમી ક્લાસની સીટો થોડીક પાસે હશે.

નવા કોચમાં ટોયલેટ ડિઝાઈનમાં સુધારો કરવામાં આવશે. તેને દિવ્યાંગો ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે. નવા કોચમાં ટોયલેટના ગેટને પહેલાં કરતાં વધારે પહોળો બનાવવામાં આવ્યો છે, જેથી વ્હીલચેર સરળતાથી અંદર જઈ શકે. સિવાય ટોયલેટમાં પાણી નાખવા માટે પગથી ઓપરેટ થતી સિસ્ટમ પણ અટેચ હશે.

પેસેન્જર ઈન્ફોર્મેશન ડિસ્પ્લેની સુવિધા પણ યાત્રીકોને મળશે. ડિસ્પ્લેમાં આગામી સ્ટેશન અને ટ્રેનની સ્પીડ સહિતની માહિતી જોવા મળશે. કોચમાં ઈમર્જન્સી ખાસ કરીને આગ લાગે તેવી સ્થિતિનો સામનો કરવા માટે આધુનિક ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવામાં આવી છે.

નવા કોચ પંજાબના કપૂરથલાની રેલ કોચ ફેક્ટરીમાં તૈયાર થઈ રહ્યા છે. નવા એસી થ્રી ટિયર કોચ મેલ અને એક્સપ્રેસ ગાડીમાં લગાવવામાં આવશે. કપૂરથલામાં આવા ૨૪૮ કોચ નાણાકીય વર્ષમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે.

હાલની ટ્રેનમાં એસી કોચમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસી એમ ત્રણ ક્લાસ અવેલેબલ છે, પરંતુ હવે ટિયર એસી ઈકોનોમી ક્લાસના નામથી ચોથો કોચ પણ ઉમેરવામાં આવશે.

(12:00 am IST)