Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સુશાંત સિંહ મામલે કેટલીક લિન્કની હજુ તપાસ ચાલુ : જલ્દી ચાર્જશીટ દાખલ કરવાનો રિપોર્ટ અસત્ય : NCB

એજન્સી વ્યાપક ઇલેકટ્રોનિક ડેટાનું પણ અધ્યયન કરી રહી છે,

મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ જલ્દી ચાર્જશીટ દાખલ કરવાની અફવાઓને ફગાવી દીધી છે. એજન્સીએ કહ્યુ કે, કેટલીક લિંકની હજુ પણ તપાસ ચાલી રહી છે. તપાસ સાથે જોડાયેલા NCBના એક સૂત્રએ જણાવ્યુ, “સુશાંત સિંહ રાજપૂત મામલે એનસીબી તરફથી જલ્દી ચાર્જશીટ દાખલ કરવાનો રિપોર્ટ સાચો નથી.

સુત્રએ દાવાનું ખંડન કર્યુ કે ઇડીએ એનસીબી સાથે પોતાની મની લોન્ડ્રિંગ તપાસ મામલે એક ક્લોઝર રિપોર્ટ શેર કરી છે. હજુ પણ કેટલીક લિંક છે, જેની તપાસની જરૂર છે અને એજન્સી વ્યાપક ઇલેકટ્રોનિક ડેટાનું પણ અધ્યયન કરી રહી છે, જે આ મામલે કેટલાક લોકોના મોબાઇલ ફોનથી મળ્યા છે.

એનસીબીએ ગત વર્ષે ઓગસ્ટમાં સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ સાથે જોડાયેલા બે કેસ દાખલ કર્યા હતા. એનસીબીએ સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તીની ગત વર્ષે સપ્ટેમ્બરમાં કેટલીક અન્ય વ્યક્તિઓ સાથે ધરપકડ કરી હતી. બન્ને જામીન પર બહાર છે. એનસીબીએ આ મામલે સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, રકુલ પ્રીત સિંહ, કરિશ્મા પ્રકાશ સહિત કેટલીક હસ્તીઓની પૂછપરછ કરી છે

   એનસીબીએ ગત વર્ષે ઓગસ્ટમાં સુશાંત સિંહ રાજપૂતનો કેસ હાથમાં લીધો હતો. ઇડીએ રિયા ચક્રવર્તીના મોબાઇલથી મળેલી ચેટ સાથે અન્ય તમામ જાણકારીઓ એનસીબી સાથે શએર કરી હતી. ચેટમાં મારિજુઆના અને અન્ય ડ્રગ્સનો ઉપયોગ અને સપ્લાયને લઇને બોલિવૂડ સાથે જોડાયેલા કેટલાક મોટા મોટા નામ સામે આવ્યા હતા.

 આ સિવાય ડ્રગ્સ સપ્લાય અને ગ્રાહકોની આ ચેનમાં રિયાના ભાઇ શૌવિક ચક્રવર્તી, સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર જયંતી સાહા સહિત દીપેશ સાવંત, સેમ્યુઅલ મિરાંડા જેવા અન્ય કર્મચારીઓના નામ સામે આવ્યા હતા, જે સુશાંત સિંહ રાજપૂત માટે કામ કરતા હતા, તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આ બધાની પૂછપરછ લાંબી ચાલી હતી. રિયા, શૌવિક, દીપેશ, મિરાંડા જામીન પર બહાર છે. .

(12:00 am IST)