Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

નાસિકની ઇન્ડિપેન્ડન્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર RBI નો પ્રતિબંધ : ખાતાધારકો પૈસા નહીં ઉપાડી શકે

બેન્ક પર 6 મહિના માટે પ્રતિબંધ :આદેશ 10 ફેબ્રુઆરીથી અમલમાં

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વધુ એક કો-ઓપરેટિવ સેક્ટરની બેંક પર પ્રતિબંધ મૂક્યો છે. હકીકતમાં નાસિકની ઇન્ડિપેન્ડન્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર આરબીઆઈ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ બેંકની આર્થિક સ્થિતિ નાજુક હોવાને કારણે આરબીઆઈ દ્વારા સાવચેતી રૂપે આ પગલાં લેવામાં આવ્યા છે. આરબીઆઈ દ્વારા પ્રતિબંધ બાદ બેંક ખાતા ધારકોને હવે પૈસા ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એટલે કે ખાતાધારકો પૈસા નહીં ઉપાડી શકે. Nasik Independent Bank Ban 

જ્યારે ઇન્ડિપેન્ડન્ટ કો-ઓપરેટિવ બેન્કના લગભગ 99.88 ટકા ખાતાધારકો ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનના વીમા કવચ માટે પાત્ર છે. આ વીમા સુરક્ષા યોજનામાં બેંક ખાતા ધારકને 5 લાખ સુધીની થાપણ પર વીમા સુરક્ષા આપવામાં આવે છે

પરંતુ આરબીઆઇ તરફથી ઇન્ડિપેન્ટન્ટ કો-ઓપરેટિવ બેન્ક પર 6 મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશ 10 ફેબ્રુઆરીથી અમલમાં છે. બેન્ક પરના પ્રતિબંધ અંગે RBIએ આદેશ જારી કર્યો છે.

જેમાં ઇન્ડિપેન્ડન્ટ કો-ઓપરેટિવ બેન્કની વર્તમાન સ્થિતિને જોતા બેન્કના ખાતાધારકોના સેવિંગ અથવા કરન્ટ ખાતામાં રૂપિયા જમા કરાવવા અને ઉપાડવાની મંજૂરી નથી. તેની સાથે જ કેટલાક નિયમ અને શરતો હેઠળ ખાતા ધારકો લોન ચુકવી શકે છે આમ આરબીઆઈએ પોતાના આદેશમાં જણાવ્યું છે.

(12:00 am IST)