Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

કેજરીવાલનું રાજકીય કદ વધ્યું: વિપક્ષનો ચહેરો બની શકે છે

સતત હેટ્રીક લગાવતા હવે પ્રાદેશિક પક્ષોની તાકાત વધશેઃ બધા એક જુથ થાય તેવી શકયતાઃ બીનભાજપી પક્ષોને કેજરીવાલ નેતૃત્વ લ્યે તો વાંધો નથીઃ ગવર્નન્સનો 'કેજરીવાલ મોડેલ' બીજા રાજ્યોમાં લાગુ થશે

નવી દિલ્હી, તા. ૧૨ :. પોતાના ગવર્નન્સના જોરે ભાજપાના અત્યાર સુધીના સૌથી મોટા હાઈપ્રોફાઈલ પ્રચારનો સામનો કરીને મોટી જીત મેળવવામાં કેજરીવાલ સફળ રહ્યા છે. ગવર્નન્સનું આ કેજરીવાલ મોડલ બીજા રાજ્યોમાં બિનભાજપા મુખ્ય પ્રધાનો માટે આદર્શ બની શકે છે. આ મોડલના જોરે તેઓ પણ મોદી-ભાજપાનો મુકાબલો કરીને આગળ વધી શકે છે.

વિધાનસભા ચૂંટણીઓમાં મતદારો સ્થાનિક મુદ્દાઓ ઈચ્છતા હોય છે. તેમની પરીક્ષા એ જ હોય છે કે તેમની બુનિયાદી જરૂરીયાતો પુરી કરવા માટે કર્યો પક્ષ વધારે ગંભીર છે. રાષ્ટ્રીય મુદ્દાઓ તેમને લોકસભા ચૂંટણીમાં આકર્ષિત કરે છે એટલે રાજકીય પક્ષો લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં એક જ રણનીતિ દ્વારા જીત નથી મેળવી શકતા.

ભાજપા માટે દરેક ચૂંટણીમાં એક સરખા મુદ્દાઓ વાપરવા તેના માટે જોખમી બની ચૂકયા છે. પક્ષ માટે પોતાના નેતાઓ માટે શબ્દોની મર્યાદા નક્કી કરવાની પણ જરૂરીયાત દેખાવા લાગી છે, કેમ કે ઘણીવાર તેમના મોટા બોલ ધ્રવીકરણનો લાભ લેવાના પ્રયત્નોને નુકસાનીમાં ફેરવી નાખે છે. પક્ષનો વિકાસનો એજન્ડા અને 'સબ કા સાથ - સબ કા વિકાસ'નો નારો હવે જૂનો થઈ ગયો છે.

કોંગ્રેસનો માર્ગ હવે વધુ મુશ્કેલ બનશે. મુખ્ય વિપક્ષી દળ બન્યા પછી હવે તેની જગ્યા વધારે ઘટશે. સ્થાનિક પક્ષોમાં તેનો સ્વીકાર વધુ ઘટશે. પક્ષમાં પણ નેતૃત્વ ક્ષમતા પર સવાલો ઉભા થશે. પક્ષે વિચારવું પડશે કે સ્થાનિક પક્ષોની સરખામણીમાં તે મતદારોનો વિશ્વાસ કેમ નથી જીતી શકતો?

કેજરીવાલની સતત ત્રીજી જીતથી દિલ્હી જ નહીં, રાષ્ટ્રીય રાજકારણમાં પણ તેમનુ રાજકીય કદ વધ્યુ છે. આ જીતની અસર એ થશે કે સ્થાનિક પક્ષોની તાકાત વધશે. રાષ્ટ્રીય રાજકારણમાં વિકલ્પ બનવા માટે સ્થાનિક પક્ષો એક જૂટ થવા તરફ આગળ વધશે. તેના માટેનો નવો ચહેરો કેજરીવાલ બની શકે છે.

(11:56 am IST)