Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

દિલ્હી ચૂંટણી જંગ

કેજરીવાલે કોંગ્રેસે ૨૦૧૯માં કરેલી ભૂલો પરથી શીખ લીધી

નવી દિલ્હી તા. ૧૧ : દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો ધીમે ધીમે સ્પષ્ટ થઈ ગયા છે. અત્યાર સુધી આવેલા વલણ પ્રમાણે આપ ૫૦ બેઠક પર આગળ ચાલી રહી છે. જયારે બીજેપીએ ૨૦ જેટલી બેઠક પર આગળ ચાલી રહી છે. દિલ્હીમાં જીત પાછળ અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ તરફથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કરવામાં આવેલી ભૂલોનું જરાપર પુનરાવર્તન કર્યું ન હતું. સાથે જ ભાજપા તરફથી ફકત મોદીના ચહેરા પર લડવામાં આવેલી ચૂંટણીનો પણ ફાયદો ઉઠાવ્યો હતો.

આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત બીજેપીને એવો સવાલ પૂછીને કરી હતી કે - શું તમારી પાર્ટીમાં સીએમનો ચહેરો છે? પ્રચાર દરમિયાન પાર્ટીએ TINA ફેકટરનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો હતો. એટલે કે ધેર ઇઝ નો અલ્ટરનેટિવ (કોઈ વિકલ્પ નથી). આપ પાર્ટીએ આની આસપાસ પોતાનો પ્રચાર કર્યો હતો. સાથે જ ચૂંટણી પ્રચાર દરમિયાન પાંચ વર્ષમાં કરેલા વિકાસ કામોની લોકોને માહિતી આપી હતી.

સીએમ ચહેરના લઈને આપના સવાલની આખી જવાબદારી વડાપ્રધાન મોદી પર આવી ગઈ હતી. એ વાતમાં કોઈ શંકા નથી કે છ વર્ષમાં એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે પીએમ મોદી બીજેપી માટે વોટ ખેંચવાનો ચહેરો બની ગયા છે. તેમણે પાર્ટીને એવા અનેક પ્રસંગો જીત અપાવી છે, જયાં પાર્ટીને કોઈ આશા ન હતી.

જોકે, છેલ્લા છ વર્ષમાં બીજેપી જયારે જયારે વિધાનસભાની ચૂંટણીના ઉતરે છે ત્યારે બે અલગ અલગ પેટર્ન જોવા મળે છે. લોકસભામાં મેળવેલા મતો બીજેપીને ફરીથી નથી મળતા. તેમાં પણ બીજેપીને વિપક્ષના કોઈ વિશ્વસનીય સીએમ ચહેરા તરફથી પકડકાર મળે છે ત્યારે પરિણામ બીજેપીની વિરુદ્ઘ મળે છે.

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપા દ્વારા વડાપ્રધાન મોદીના ચહેરા પર ચૂંટણી લડવા અંગે આપ તરફથી લોકોને એવો સંદેશ પહોંચાડવમાં આવ્યો કે આ રાષ્ટ્રીય નહીં પરંતુ રાજયની ચૂંટણી છે. રાષ્ટ્રીય મુદ્દાઓ પર થોડા મહિનાઓ પહેલા લોકોએ બીજેપીને વોટ આપ્યા હતા.

એટલું જ નહીં આપે ૨૦૨૦ની આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન કર્યું ન હતું. તેમણે વડાપ્રધાન મોદી પર સીધો હુમલો ન કર્યો. દિલ્હી ચૂંટણી પ્રચારના પ્રથમ તબક્કામાં આમ આદમી પાર્ટીએ એજેન્ડા સેટ કર્યો, તો ભારતીય જનતા પાર્ટીએ અડધા પ્રચાર દરમિયાન પોતાની રણનીતિ બદલવી પડી હતી. બીજેપીએ શાહીનબાગ પર નિશાન સાધ્યું હતું. દિલ્હીમાં બીજેપીએ પ્રથમ વખત અનેક ઉશ્કેરણીજનક નારાનો ઉપયોગ કર્યો હતો.

દિલ્હીમાં પ્રચાર દરમિયાન પીએમ મોદીએ વિકાસની વાત કરી હતી, અન્ય નેતાઓએ જામિયા અને જેએનયૂ જેવા મુદ્દાઓને લઈને મતો માંગવાનો પ્રયાસ કર્યો હતો. શાહીનબાગમાં થયેલા ફાયરિંગ કેસમાં બીજેપીએ દાવો કર્યો કે આરોપી આપ સાથે જોડાયેલો છે ત્યારે આપ તરફથી તેના પરિવારજનોનો વીડિયો બહાર પાડીને જવાબ આપ્યો હતો. ત્યાં સુધી કે ગિરિરાજ સિંહે એક જવેલર્સની દુકાન પરથી કરેલી ખરીદીનું બિલ પણ ટ્વિટ કરવું પડ્યું હતું.

એટલું જ નહીં મતદાનના દિવસ સુધી બીજેપીએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધવામાં કોઈ કસર છોડી ન હતી. કોંગ્રેસની વાત કરવામાં આવે તો તે ગાયબ જ રહી હતી. ગત ત્રણ વખતથી કોંગ્રેસ શીલા દીક્ષિતના નામ પર વોટ માંગતી રહી હતી.

(8:51 am IST)